મસ્જિદ વિવાદઃજ્ઞાનવાપી બાદ મથુરાની ઇદગાહ મસ્જિદના સર્વેની માંગ
મથુરા: દેશભરમાં વિવાદનો મુદ્દો કાશીની જ્ઞાનવાપી મસ્જિદ બની છે. ત્યારે જ્ઞાનવાપી મસ્જિદની જેમ મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલી ઈદગાહ મસ્જિદનો પણ કોર્ટ કમિશનર થકી સર્વે કરાવવાની માંગ ઉઠી છે. સર્વે કરાવવાની માંગ સાથે મથુરાની કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જે રીતે જ્ઞાનવાપી મસ્જિદમાં સનાતન મંદિરના પુરાવા જેવા કે, સ્વસ્તિક, કમળનું ફૂલ, નાગ, ઘંટ, કળશ, ફૂલની માળા અને અન્ય ધાર્મિક પ્રતીકો મળ્યા છે. તે જ રીતે મથુરાની ઇદગાહ મસ્જિદમાં પણ પુરાવાઓ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઇદગાહ મસ્જિદને લઈને ત્રણ અરજીઓ થઈ છે અને તેમાં કોર્ટ કમિશનર નિયુક્ત કરીને ઈદગાહ મસ્જિદની વીડિયોગ્રાફી કરાવવા માટે માંગ કરવામાં આવી છે. કોર્ટે આ મામલાની સુનાવણી માટે અરજી કરનારાઓને 1 જુલાઈની તારીખ આપી છે.
અરજી કરનાર એક વ્યક્તિ મહેન્દ્રસિંહનુ કહેવુ છે કે, મેં જ સૌથી પહેલા 24 ફેબ્રુઆરીએ ઈદગાહ મસ્જિદની વીડિયોગ્રાફી કરાવવા માટે માંગ કરી હતી. 9 મેના રોજ મેં ફરી કોર્ટ સમક્ષ અરજી કરી હતી.ઉલ્લેખનીય છે કે, શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે જ ટકોર કરીને સ્થાનિક અદાલતોને કહ્યુ છે કે, આ મુદ્દા પર જેટલી પણ અરજીઓ થઈ છે તેના પર ચાર મહિનામાં નિર્ણય આપવામાં આવે.
કોર્ટમાં અરજી દાખલ કરાઈ
અરજી કરનારે ગર્ભગૃહની જગ્યા પર કબજો કરી મસ્જિદમાં કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મુકવાની માગ કરી છે.સંપૂર્ણ પરિસરને બંધ કરીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી જોઈએ તેવું પણ જણાવ્યું છે. તો આ વ્યવસ્થાઓ માટે મથુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ,SSP અને CRPF કમાન્ડરને આદેશ કરવા જણાવાયું છે.
શાહી ઇદગાહના સર્વે અંગે પણ સુનાવણી થશે
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વેના આદેશ બાદ મથુરાની શાહી ઈદગાહની માંગને લઈને તાજેતરમાં કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. કોર્ટે મનીષ યાદવની અરજી સ્વીકારી લીધી છે. કોર્ટ આ મામલે 1 જુલાઈએ સુનાવણી કરશે.
શ્રી કૃષ્ણના વંશજ હોવાનો દાવો કર્યો
શાહી ઇદગાહના સર્વે માટે કોર્ટમાં અરજી કરનાર મનીષ યાદવ દાવો કરે છે કે, તે ભગવાન કૃષ્ણના વંશજ છે. અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે, એડવોકેટ કમિશનરની નિમણૂક કરીને શાહી ઇદગાહની વીડિયોગ્રાફી કરવામાં આવે અને રિપોર્ટ માંગવામાં આવે.