નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગયા મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે RBI ટૂંક સમયમાં જ ડિજિટલ રૂપિયો એટલે કે E-RUPEE લોન્ચ કરશે. ત્યારે આ E-RUPEEની શરૂઆત આજથી એટલે કે 1 લી નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. RBI 1 નવેમ્બરથી હોલસેલ ટ્રાન્જેકશન માટે ડિજિટલ રૂપી રજૂ કરશે. જો કે હાલમાં તે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થશે.
RBIએ તેના તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ડિજિટલ રૂપિયો જારી કરવા માટેના મુખ્ય ડિઝાઇન વિકલ્પોનો ઉલ્લેખ કર્યો છે. સૌ પ્રથમ, ડિજિટલ કરન્સી 2 પ્રકારની હશે – જથ્થાબંધ ડિજિટલ કરન્સી અને રિટેલ ડિજિટલ કરન્સી. ડિજીટલ કરન્સી જારી કરવા અને સંચાલન કરવા માટે ત્રણ પ્રકારના મોડલનો ઉપયોગ કરવામાં આવશે – ડાયરેક્ટ, ઈનડાયરેક્ટ અને હાઇબ્રિડ મોડલ. ડાયરેક્ટ મોડલમાં, આરબીઆઈ સીધું ચલણનું સંચાલન કરશે, પરોક્ષ મોડેલમાં, બેંકોનો ઉપયોગ કરવામાં આવશે અને હાઇબ્રિડ મોડલમાં ઉપરોક્ત બંને મોડલને મિશ્રિત કરવામાં આવશે.
ડિજિટલ કરન્સી શું છે?
IMF, BIS અથવા RBIના ડિજિટલ કરન્સી પરના અહેવાલોનો અભ્યાસ એક મૂળભૂત બાબત સ્પષ્ટ કરે છે કે ‘ડિજિટલ કરન્સી એ જારી કરાયેલ ભૌતિક ચલણનું ડિજિટલ રૂપાંતર છે’. જેને સરકાર દ્વારા કાયદેસરની માન્યતા છે. તેથી તેને “સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી” તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. આ ક્રમમાં, ભારતનો ડિજિટલ રૂપિયો પણ જારી કરાયેલા ભૌતિક રૂપિયાથી અલગ નથી, પરંતુ તેનું માત્ર ડિજિટલ સ્વરૂપ છે.
બે પ્રકારના હશે E-RUPEE
ડિજિટલ ચલણ બે સ્વરૂપમાં ઉપલબ્ધ હશે – ટોકન અથવા એકાઉન્ટ આધારિત. આ સાથે ડિજિટલ રૂપિયામાં ટ્રાન્ઝેક્શન દરમિયાન ગોપનીયતાનું પણ ધ્યાન રાખવામાં આવશે. ચોક્કસ રકમ સુધીની ચૂકવણી માટે વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. પરંતુ મોટી ચૂકવણીમાં ઓળખ RBI ડિજિટલ ટ્રેલ દ્વારા જાણી શકાશે.
આ પ્રોજેક્ટમાં 9 બેંકોનો સમાવેશ થશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર RBI ડિજિટલ કરન્સીથી ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા મજબૂત બનાવવામાં, પેમેન્ટ સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવામાં અને મની લોન્ડ્રિંગને રોકવામાં મદદ મળશે. આ સાથે જ ડિજિટલ કરન્સીનો ઉપયોગ સરકારી સિક્યોરિટીઝના સેટલમેન્ટ માટે કરવામાં આવશે. જણાવી દઈએ કે આ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે 9 બેંકનો સમાવેશ કરાયો છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, HDFC બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, IDFC ફર્સ્ટ બેંક અને HSBC બેંક સામેલ છે.
E-RUPEEના ફાયદા
દેશમાં આરબીઆઈની ડીજીટલ કરન્સી આવ્યા પછી કોઈ વ્યક્તિએ તેની પાસે રોકડ રાખવાની જરૂર રહેશે નહીં. આ તમે તમારા મોબાઈલ વોલેટમાં રાખી શકશો અને આ ડિજિટલ કરન્સીના સર્ક્યુલેશન પર રિઝર્વ બેંકનું સંપૂર્ણ નિયંત્રણ હશે. ડિજિટલ કરન્સી આવવાથી સરકાર સાથે સામાન્ય લોકો અને વ્યવસાય માટેના વ્યવહારોની કિંમતમાં ઘટાડો થશે.
ડિજિટલ કરન્સીનો સીધો ફાયદો નોટના પ્રિન્ટિંગ અને મેનેજિંગના ખર્ચમાં ઘટાડો થવાના સ્વરૂપમાં જોવા મળશે. આ સાથે RBIને જૂની નોટોની ગુણવત્તાની સમસ્યામાંથી પણ છુટકારો મળશે. ક્રિપ્ટો કરન્સી અને ખાનગી ચલણના વધતા બજાર વચ્ચે, RBIની ડિજિટલ કરન્સી અર્થતંત્રની સત્તાવાર ચલણમાં લોકોનો વિશ્વાસ જાળવી રાખશે. ઉપરાંત તે તેમને સંભવિત જોખમોથી બચાવવા માટે સક્ષમ હશે. આ સાથે, ગ્રાહકોને ત્વરિત ચુકવણી પદ્ધતિ પણ મળશે જે આંતરરાષ્ટ્રીય ચૂકવણીના કિસ્સામાં ઉપલબ્ધ અન્ય તમામ ચુકવણી મોડ્સમાં શ્રેષ્ઠ ડિજિટલ ચલણ સાબિત થશે.
ડિજિટલ રૂપિયા સામે કયા પડકારો છે?
ડિજિટલ કરન્સીનો સિદ્ધાંત સંપૂર્ણપણે નવો છે અને તે હજુ પણ વિશ્વના તમામ દેશોમાં તેના પ્રારંભિક તબક્કામાં છે. તેથી, તેના અમલીકરણ માટે કોઈ ખૂબ જ ચકાસી શકાય તેવા આધાર નથી. એક મોટી અર્થવ્યવસ્થા તરીકે ચીને તેની ડિજિટલ કરન્સી 2 વર્ષ પહેલા જ લાગુ કરી હશે, પરંતુ ભારત ચીનની માહિતી પર તેની નીતિ બનાવી શકતું નથી. તેથી RBI સમક્ષ સૌથી મોટો પડકાર એ છે કે તે તેની વસ્તી વચ્ચે ડિજિટલ રૂપિયા કેવી રીતે સ્થાપિત કરે છે.
બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી
સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીએ કેન્દ્રીય બેંક દ્વારા જારી કરાયેલ ચલણી નોટોનું ડિજિટલ સ્વરૂપ છે. આખી દુનિયામાં સેન્ટ્રલ બેંકો હાલમાં CBDC જારી કરવાની રીતો શોધી રહી છે. ભારત સરકારે સામાન્ય બજેટમાં નાણાકીય વર્ષ 2022-23થી ડિજિટલ રૂપિયો લાવવાની જાહેરાત કરી હતી.