સુરતના અમરોલીમાં લીંબુના ભાવ મુદ્દે યુવક પર જીવલેણ હુમલો
સુરતઃ મોંઘવારીમાં દિવસે-દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. જીવન જરૂરી વસ્તુઓની સાથે -સાથે શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ઉનાળામાં લીંબુના ભાવ દાંત ખાટા કરી દે તેવા છે. કેટલાક મહિનાઓ અગાઉ લીંબુના ભાવ વધારાના કારણે લીંબુ ચોરીની ઘટના સામે આવી હતી. પરંતુ આજે લીંબુના ભાવ જીવલેણ સાબિત થયા છે. સુરતના અમરોલી વિસ્તારમાં લીંબુના ભાવ મુદ્દે તકરાર થતા લારીવાળાએ ગ્રાહકને છાતી-પેટ-પીઠ અને હાથ પર છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો છે.
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા તક્ષશિલા સ્કૂલ સામે મધુવન શાક માર્કેટમાં લીંબુ ખરીદવા મુદ્દે જીવલેણ હુમલાની ઘટના બની છે. છાપરાભાઠા રોડ સ્થિત ગણેશપુરા પાસેની મધુવન સોસાયટીમાં રહેતા ઇસ્લામ શેખ દલાલીનો વ્યવસાય કરે છે. તેમનો 21 વર્ષીય પુત્ર ઈમરાન શેખ ગત રાતના 9 વાગ્યાની આસપાસ શાક માર્કેટમાં ખરીદી કરવા ગયો હતો. ત્યારે શાકભાજીની લારી ચલાવતા જ્ઞાન જયસ્વાલ સાથે લીંબુના ભાવ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડામાં જ્ઞાન જયસ્વાલે સાથી આનંદ જયસ્વાલ અને તેના ભાઈ સાથે મળીને ઈમરાન શેખ પર છરી વડે હુમલો કર્યો હતો. જેને લઈને લીંબુ ખરીદી કરવા આવેલા યુવાનને છાતી,પેટ,પીઠ અને હાથના ઉપરના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ ઈમરાન શેખને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં લીંબુના વેપારી અને તેના બે સાગરીતોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જીવન જરૂરી દરેક ચીજવસ્તુના ભાવ હાલ આસમાનને આંબી રહ્યા છે. મધ્યમવર્ગ સતત મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે. એવામાં લીંબુ સહિતના શાકભાજી મોંઘા મળી રહ્યા છે. થોડા દિવસો અગાઉ જ સુરતમાં વાડીમાંથી લીંબુની ચોરીની ઘટના સામે આવી હતી. ત્યારે આજે લીંબુ ખરીદી કરવા ગયેલા યુવાન સાથે ભાવને લઇને થયેલી માથાકૂટ બાદ જે જીવલેણ હુમલો થયો છે તે અમરોલી વિસ્તારમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.