મોરબી બ્રિજ તૂટવાની ઘટનાઃ એકપણ મૃતદેહના પોસ્ટમોર્ટમ નહીં થાય, GR બહાર પાડ્યો; 132 ડેડબોડીની ઓળખ થઈ
મોરબીઃ રવિવારે ઝુલતો પુલ ધરાશાયી થયાની દુર્ઘટનાને 12 કલાકથી વધુ સમય વીતી ગયો છે. ત્યારે મૃત્યુઆંક 141 પર પહોંચ્યો છે પરંતુ જેમાં 132 ડેડબોડીની ઓળખ થઈ ગઈ છે તે તમામ લોકોના સ્વજનોને પોસ્ટમોર્ટમ કર્યા વગર મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી ખડેપગે હોવાથી ગવર્નમેન્ટ રિઝોલ્યુશન એટલે કે GR બહાર પાડ્યો હતો કે, આવી દુર્ઘટનામાં કોઈ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે નહીં.
જો કે, 141 લોકોના મોત થયા તેમાંથી કોનું કઈ રીતે મોત થયું તે જાણવા નહીં મળે. કારણ કે કોઈનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી. આ તમામ લોકોના મોતનું કારણ અકબંધ રહેશે.
અનેકના મોત પાણીમાં ડૂબી જવાથી તો કેટલાંકના હાર્ટઅટેકના કારણે મોત થયા છે
રવિવાર સાંજે જ્યારે બ્રિજ તૂટ્યો ત્યારે અનેક લોકો પાણીમાં ગરક થયા, તો કોઈના ડૂબવાથી, કોઈને નીચે થડકો આવવાથી, તો કોઈનું હૃદય બેસી જવાથી પણ મૃત્યુ થયું હશે. આવું પણ એક કારણ છે, પરંતુ હાલ કોઈનું પોસ્ટમોર્ટમ કરાયા નથી ત્યારે મોતનું ચોક્કસ કારણ જાણવું ખૂબ જ મુશ્કેલ છે. હાલ તો સ્વજનોને તેમના અંગત લોકોના મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે અને અંતિમ ક્રિયાઓ માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે.
રેન્જ IGની અંડરમાં તપાસ
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કલમ 304, 308 અને 114 મુજબ ક્રિમીનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની પણ તપાસ આજે જ ચાલુ થાય તે માટે એક ટીમ બનાવવામાં આવી છે. રેન્જ આઈજીની અંડરમાં આ તપાસ આગળ વધારવામાં આવશે. ઝડપથી આ તપાસ કેવી રીતે પૂરી થાય તે માટે આજુબાજુના જિલ્લામાંથી વધારાના અધિકારીઓ આપવામાં આવ્યા છે.