મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. મળતી માહિતી મુજબ આ હોનારતમાં સાંસદ મોહન કુંડારિયાના પરિવારના સભ્યોના પણ મોત થયા છે. સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા છે. મોહન કુંડારિયાના સગા બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી, ચાર જમાઈ અને સંતાનોના મોત થયા છે. એક પરિવારનાં 12 સભ્યોનાં મૃત્યુ થતા માતમ છવાઈ ગયો છે.
132 deaths have been reported so far: Gujarat Home Minister Harsh Sanghavi briefs on #MorbiBridgeCollapse pic.twitter.com/wIvQkAGr1z
— ANI (@ANI) October 31, 2022
મળતી માહિતી મુજબ 200થી વધુ જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા છે. મળતી માહિતી પ્રમાણે જ્યારે આ દૂર્ઘટના ઘટી ત્યારે 300 જેટલા લોકો આ પુલ પર સવાર હતા. બ્રીજ તૂટ્યા બાદ સેંકડો લોકો નદીમાં ખાબક્યા હતા. આશરે 177 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 19 લોકોને નાની-મોટી ઈજા હોવાથી વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ રખાયા છે. જેમાંથી ત્રણ વ્યક્તિને રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. બીજી તરફ પુલ તૂટ્યા પછી મચ્છુ નદીમાં ગરકાવ હતભાગીઓને શોધવા આર્મી, નેવી, એરફોર્સ, એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. પુલ તૂટ્યા પછી ઘટનાસ્થળે રાજકોટ મહાનગર પાલિકાની બોટ અને લાઈફ જેકેટ સહિતની બચાવ સામગ્રી સાથે ફાયર બ્રિગેડની ટીમ મોરબી પહોંચી ગઈ હતી અને બચાવકાર્ય શરૂ કરી દીધું હતું. બચાવકાર્યમાં લાગેલી ટૂકડીઓ તેમજ ખડેપગે રહેલા અધિકારીઓએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.હજુ પણ 24 કલાક સુધી બચાવ કામગીરી યથાવત રહેશે.
મોરબીની આ દૂર્ઘટના પર સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.