ગુજરાતટોપ ન્યૂઝ

મોરબીમાં ઝૂલતો પુલ તુટતા રાજકીય માહોલ ગરમાયો, કોનો લેવાશે ભોગ!

મોરબીમાં આજે રવિવારે મોટી દુર્ઘટના બની છે. જેમાં ત્રણ દિવસ પહેલા જ મોરબીનો ઝૂલતો પુલ સામાન્ય લોકો માટે ખુલ્લો મુકાયો હતો. તેમાં ઝૂલતા પુલના અચાનક બે ટુકડા થયા છે. તેથી પુલ તૂટતા લોકો પાણીમાં પડ્યા છે. તેમજ પુલ પરથી અંદાજીત 500 લોકો પાણીમાં પડ્યા છે. પ્રખ્યાત એવો ઝૂલતો પુલ તૂટી પડવાને કારણે લોકો નીચે પટકાયા છે. હાલ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

 

મુખ્યમંત્રીએ ટ્વિટ કરી:

મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં મુખ્યમંત્રીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.

કોંગ્રેસના જગદિશ ઠાકોરે ટ્વિટ કરી:

 

કોંગ્રેસના જગદિશ ઠાકોરે ટ્વિટ કરી જણાવ્યું છે કે મોરબીમાં મચ્છુ ડેમ પર બનેલ ઝૂલતો બ્રીજ તૂટી જવાની દુર્ઘટના સર્જાતા અનેક મુલાકાતીઓના જીવ જોખમમાં મુકાયા અને ઘાયલ થયાના દુખદ સમાચાર સાંભળી ખૂબ જ આઘાતની લાગણી અનુભવું છું.

આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી:

આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી જણાવ્યું છે કે ગુજરાતમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. મોરબીમાં પુલ ધરાશાયી થતા અનેક લોકો નદીમાં પડ્યા હોવાના અહેવાલ છે. હું તેમના જીવન અને સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી

મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આપત્તી વ્યવસ્થાપનની કામગીરીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત રહી કામગીરી કરી રહ્યું છે.

રીનોવેશન બાદ ઝૂલતા પુલને ખુલ્લો મુકવામાં આવ્યો

મોરબીમાં તાજેતરમાં જ રીનોવેશન બાદ ઝૂલતા પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રજાના દિવસોમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. આજે પણ ઝૂલતા પુલ ઉપર લોકોની સંખ્યા વધી ગઈ હોય પુલ તૂટી પડ્યો હતો. જેના કારણે લોકો નીચે પટકાયા હતા. હાલ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ સાથે બચાવ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Back to top button