પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમના ઠેકાણાં પર આજે મંગળવારે CBIએ દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ કાર્તિ ચિદમ્બરમના ઘર અને ઓફિસમાં CBIએ દરોડા પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહી પહેલાંથી ચાલતા કેસ અંતર્ગત છે.
મળતી માહિતી મુજબ CBIએ કુલ 9 જગ્યાએ દરોડા પાડ્યા છે. તમિલનાડુ અને મુંબઈમાં ત્રણ-ત્રણ જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. તો પંજાબ, કર્ણાટક અને ઓડિશામાં 1-1 જગ્યાએ દરોડાની કાર્યવાહી થઈ છે. આરોપ છે કે કાર્તિ ચિદમ્બરમે એક પ્રોજેક્ટ માટે ચીની વર્કર્સને વીઝા અપાવવા માટે 50 લાખ રૂપિયાની લાંચ લીધી હતી.
કાર્તિએ કર્યો કટાક્ષ
દરોડાને લઈને કાર્તિ ચિદમ્બરમનું એક ટ્વીટ પણ સામે આવ્યું છે. જેમાં તેમને લખ્યું છે કે- હું ગણતરી ભૂલી ગયો છું કે આવું કેટલામી વખત થયું છે. આ એક રેકોર્ડ બનશે. જાણકારી મુજબ, કાર્તિ હાલ ઘર પર નથી તેઓ લંડન ગયા છે.
I have lost count, how many times has it been? Must be a record.
— Karti P Chidambaram (@KartiPC) May 17, 2022
કાર્તિ ચિદમ્બરમ વિરૂદ્ધ CBIએ હાલમાં એક કેસ રજિસ્ટર કર્યો હતો. આ કેસ વિદેશમાં પૈસા મોકલવાના મામલે હતો. આરોપ છે કે વર્ષ 2010થી 2014 વચ્ચે આ કૌભાંડ થયું હતું. પ્રાથમિક તપાસ બાદ આ મામલે CBIએ FIR કરી હતી.
આ પહેલાં INX મીડિયા કેસમાં પણ કાર્તિ ચિદમ્બરમનું નામ સામે આવ્યું હતું. તેમને વિદેશ જવા પર રોક લગાડવામાં આવી હતી. ગત વર્ષે ઓક્ટોબરમાં જ તેમને કેટલીક શરતો સાથે વિદેશ જવાની મંજૂરી મળી છે.