દેશનો સૌથી મોટો LIC IPO લિસ્ટિંગ: IPO ભરનારાઓની આશા પર ફરી વળ્યું પાણી
જેની રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે LICનો IPO ફાઈનલી લિસ્ટિંગ થઈ ગયો છે. આજે દેશનો સૌથી મોટો LIC IPO માર્કેટમાં લિસ્ટ થયો છે. પરંતુ, જેટલી આશા સાથે રોકાણકારોએ LICનો IPO ભર્યો હતો. તેની સામે શેરનું લિસ્ટિંગ થતાં તેઓને ફટકો પડ્યો છે.
રોકાણકારોને શેરદીઠ 82 રૂપિયાનું નુકસાન
શેરનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ સાથે થયું છે. NSE પર LICના શેર રૂ. 77 એટલે કે 8.11% ઘટીને રૂ. 872 પર લિસ્ટ થયો છે, જ્યારે BSE પર તે 867 પર લિસ્ટેડ થયો છે. IPO 8.11% ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો છે. જેના કારણે પહેલા જ દિવસે રોકાણકારોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે IPOની ઈસ્યુ પ્રાઈસ 949 રૂપિયા હતી. પોલિસી હોલ્ડર્સને રૂપિયા 60નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. એવી જ રીતે રિટેલ ઈન્વેસ્ટર્સને શેરદીઠ રૂપિયા 45નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.
ગ્રે માર્કેટમાં LIC IPOનું પ્રીમિયમ લિસ્ટિંગથી પહેલાં વધુ ઘટ્યું છે, જેને કારણે ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગના સંકેતો મળી રહ્યા છે. લિસ્ટિંગના એક દિવસ પહેલા, LICIPOનો GMP ઝીરોથી 25 રૂપિયા સુઘી ઘટાડો થયો હતો.
LICના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આકર્ષક મૂલ્યાંકન હોવા છતાં, તે વિદેશી અને સંસ્થાકીય રોકાણકારોને લલચાવવામાં નિષ્ફળ રહ્યો છે. છૂટક અને અન્ય રોકાણકારો માટે 4 મેના રોજ ખુલેલા આ IPO માટે સબ્સ્ક્રિપ્શનનો 9 મે એ છેલ્લો દિવસ હતો. ઈસ્યુ 2.95 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 16.2 કરોડ શેરની સામે 47.77 કરોડ શેર માટે બીડ મળી હતી.
સરકારે LICના શેરની ઇશ્યૂ કિંમત 949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી હતી. આ ઉપરાંત LICના પોલિસીધારકો અને રિટેલ રોકાણકારોને અનુક્રમે શેર દીઠ રૂ. 889 અને રૂ. 904ના ભાવે શેર મળવાનો હતો. LICનો IPO 9 મેના રોજ બંધ થયો હતો અને 12 મેના રોજ તેના શેર બિડર્સને ફાળવવામાં આવ્યા હતા. સરકારે IPO દ્વારા LICમાં 22.13 કરોડથી વધુ શેર એટલે કે 3.5 ટકા હિસ્સો ઓફર કર્યો છે. આ માટે, પ્રાઈસ બેન્ડ 902-949 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી હતી.
મોટાભાગના માર્કેટ એનાલિસ્ટ્સે IPOમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. પોલિસીધારકો માટે રિઝર્વ રખાયેલ પોર્શન 6.10 ગણો, સ્ટાફ 4.39 ગણો અને છૂટક રોકાણકારોનો હિસ્સો 1.99 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. QIBના ફાળવેલ ક્વોટાને 2.83 ગણી બીડ મળી છે, જ્યારે NIIનો હિસ્સો 2.91 ગણો સબસ્ક્રાઇબ થયો છે.