ગુજરાતચૂંટણી 2022દક્ષિણ ગુજરાત

Gujarat Election: નવસારીમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનને લોકોએ દેખાડ્યા કાળા વાવટા, લાગ્યા ‘મોદી-મોદી’ના નારા

 

ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો જોરશોરથી તૈયારીઓમાં વ્યસ્ત છે. આ વખતે ચૂંટણી વધુ રસપ્રદ બનવાની છે. કારણ કે આ વખતે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવ્યા છે.

કાળા વાવટા દેખાડી વિરોધ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન શનિવારે ચૂંટણી પ્રચાર માટે નવસારી આવ્યા હતા. પરંતુ અહીંના લોકો તેમનાથી નારાજ હોવાનું લાગી રહ્યું છે અને તેમનો જોરદાર વિરોધ કર્યો હતો. લોકો રસ્તાની કિનારે ઊભા રહીને ‘કેજરીવાલ ચોર, ચોર’ની નારેબાજી કરી હતી અને તેમને કાળા વાવટા દેખાડ્યાં હતા. આટલેથી ન રોકાતા લોકોએ મોદી મોદીના નારા પણ લગાવ્યા હતા. લોકોએ કેજરીવાલની સામે ચોર ચોર કહીને નારેબાજી કરી હતી. આ બધામાં કેજરીવાલનો કાફલો શાંત રીતે પસાર થઈ ગયો હતો.

સુરતમાં યોજી હતી પત્રકાર પરિષદ
તમને જણાવી દઈએ કે, આ પહેલા અરવિંદ કેજરીવાલે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ભાજપે ગુજરાતમાં 27 વર્ષ શાસન કર્યું પરંતુ તેમની પાસે ગણાવવા જેવું એક પણ કામ નથી. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પાર્ટીના સીએમ ચહેરા વિશે પણ ચર્ચા કરી હતી.

સીએમ ફેસ માટે માંગ્યો અભિપ્રાય
તેમણે કહ્યું હતું કે, જ્યારે પંજાબની ચૂંટણી થઈ ત્યારે અમે લોકોને પૂછ્યું હતું કે આગામી મુખ્યમંત્રી કોણ હોવું જોઈએ. જનતાએ જંગી બહુમતી સાથે ભગવંત માનનું નામ લીધું હતું. હવે એ જ તર્જ પર અમે ગુજરાતની જનતાને પૂછવા માંગીએ છીએ કે ગુજરાતના આગામી મુખ્યમંત્રી કોણ હોવું જોઈએ. અમે લોકોનો અભિપ્રાય જાણવા માંગીએ છીએ. આ માટે કેજરીવાલે એક નંબર પણ જારી કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તમે 635 7000 360 નંબર પર SMS મોકલી શકો છો. તમે whatsapp કરી તમારો અભિપ્રાય આપી શકો છો.

4 તારીખે મુખ્યમંત્રીના ચહેરાની થશે જાહેરાત
સીએમ કેજરીવાલે કહ્યું કે, આ નંબર 3 નવેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે. 4 નવેમ્બરે અમે તેના પરિણામો લોકો સમક્ષ મુકીશું. 4 નવેમ્બરે આમ આદમી પાર્ટી ગુજરાત ચૂંટણી માટે તેના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. લોકોના અભિપ્રાય જાણવા માટે ઈ-મેલ આઈડી પણ જારી કરવામાં આવી છે.

Back to top button