ગુજરાતદક્ષિણ ગુજરાત

દ.ગુજરાતના છેવાળાના વિસ્તારો સુધી વીજળી પહોંચાડવા સરકારનો મહત્વનો નિર્ણય, જાણો શું કરી જાહેરાત

ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુરત, ડાંગ અને વલસાડના અંતરયાળ વિસ્તારોમાં વીજ ગ્રાહકોને ઉત્તમ વીજ સેવાનો લાભ મળે તે હેતુથી વિજ વિભાગની ત્રણ નવીન વિભાગીય કચેરી (ડિવિઝન ઑફિસ) બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને તેવા વિસ્તારો જ્યાં વિજસેવાનો પુરતો લાભ મળી શકતો નથી ત્યાં ડિવિઝન ઉભા કરીને લોકોને વિજ સેવાનો લાભ આપવામાં આવશે.

દક્ષિણ ગુજરાત આ ગામોમાં વીજ કચેરી ઉભી કરાશે

વીજ ગ્રાહકોના લાભાર્થે લીધેલા આ નિર્ણયથી દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળના સુરત, ડાંગ અને વલસાડ જિલ્લાના ધરમપુર, કીમ અને વઘઇ એમ ત્રણ નવીન વિભાગીય કચેરીઓ બનાવવા મંજૂરી આજે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ આપી દીધી છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા તમામ વીજ ગ્રાહકોને ઉત્તમ વીજ સેવા અને સુવિધાઓ વધુને વધુ નજીકના સ્થળેથી સુનિશ્ચિત થાય તે માટેનો લોક હિતનો નિર્ણયો લીધો છે.

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ કરી જાહેરાત

આ અંગે વધુ વિગતો આપતા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે તાજેતરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યક્ષેત્ર હેઠળની વાપી ગ્રામ્ય વિભાગીય કચેરીનું વિભાજન કરીને નવીન ધરમપુર વિભાગીય કચેરી, તેમજ કડોદરા વિભાગીય કચેરીનું વિભાજન કરીને કીમ વિભાગીય કચેરી અને નવસારી ગ્રામ્ય વિભાગીય કચેરીનું વિભાજન કરીને વઘઇ વિભાગીય કચેરી એમ ત્રણ નવીન વિભાગીય કચેરીઓ (ડિવિઝન) બનાવવાની જાહેરાત કરી છે.

આ વિસ્તારના ગ્રાહકોને મળશે લાભ

વાપીથી કપરાડા સુથારપાડા નાનાપોંઢા, ધરમપુર વગેરે વિસ્તારો વાપીથી ૭૦ કી.મી.થી વધુ દૂર હોવાને કારણે ગ્રાહકોને અગવડ પડતી હતી જેથી સરકાર દ્વારા ભૌગોલિક અનુકૂળતા રાખવા માટે નવીન ધરમપુર વિભાગીય કચેરી મંજૂર કરવામાં આવી છે. તેમજ નવસારી ગ્રામ્ય વિભાગીય કચેરી હેઠળના વાંસદા, પીપલખેડ, વઘઈ, આહવા, સાપુતારા, અનાવલ વિસ્તારો નવસારીથી 100 કી.મી.થી વધુ દૂર હોવાને કારણે ગ્રાહકોને નજીકના સ્થળેથી વીજ સેવાઓ મળી રહે તે માટે નવીન વઘઇ વિભાગીય કચેરી મંજૂરી આપવામાં આવી છે. નવીન ધરમપુર વિભાગીય કચેરી અને નવીન વઘઇ વિભાગીય કચેરીને કારણે આદિવાસી તેમજ જંગલ વિસ્તારોમાં રહેતા વીજ ગ્રાહકોને પણ લાભ મળશે.

આ પણ વાંચો: આખરે ગુજરાત સરકારે કોમન સિવિલ કોડ પર લગાવી મહોર, હવે શું હશે પ્રક્રિયા ?

Back to top button