આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવા માટે લેશે જનમત, કેવી રીતે થશે પ્રક્રિયા ?
ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતમાં પણ પંજાબની જેમ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરા માટે લોકો પાસેથી મંતવ્ય માંગ્યા છે. અરવિંદ કેજરીવાલે આ માટે એક નંબર જાહેર કર્યો છે. જે નબંરના માધ્યમથી લોકો મેસેજ કરી શકે છે અને ગુજરાતની જનતા ભવિષ્યના મુખ્યમંત્રીના નામનું સૂચન કરી શકે છે.
હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી. જોકે રાજકીય પક્ષોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પત્રકાર પરિષદ કરીને કેટલીક જાહેરાત કરી હતી. જેમાં અરવિંદ કેજરીવાલે ભાજપને અનેક મુદ્દે ઘેર્યુ હતુ.
જે બાદ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીને જનતા નક્કી કરશેનો દાવ ખેલ્યો છે. જે અગાઉ પંજાબની ચૂંટણીમાં આપે જનતાને પૂછ્યુ હતુ કે મુખ્યમંત્રી કોણ બનશે? જનતાએ ભગવંત માનને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા. જે પ્રોસેસ એકવાર ફરી ગુજરાતમાં અપનાવામાં આવી છે.
કેજરીવાલે કહ્યું છે કે, આજે અમે ગુજરાતની જનતાને પૂછવા માંગીએ છીએ કે ગુજરાતનો મુખ્યમંત્રી કોણ હોવો જોઇએ? જનતાના વિચાર જાણવા માટે એક નંબર જાહેર કરી રહ્યા છીએ. 6357000360 જાહેર કર્યો છે. આ નંબર પર ટેક્સ એસએમએસ કરી શકો છો, વૉટ્સએપ મેસેજ કરી શકો છો અને વોઇસ મેસેજ મોકલી શકો છો. તે સાથે એક ઇમેલ પણ જાહેર કરવામાં આવ્યો છે [email protected] તમે તમારી ચોઇસ મોકલી શકો છો. ત્યારે 3 તારીખ સાંજના 5 વાગ્યા સુધી આ નંબર પર અથવા ઇમેલ કરીને મુખ્યમંત્રીનું નામ જણાવવા ગુજરાતની જનતાને અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો: આમ આદમી પાર્ટીની છઠ્ઠી યાદી જાહેર, સુરત સહિત ઘણાં વિસ્તારોમાં ઉમેદવારોના નામની ઘોષણા