સુરત લિંબાયત બેઠક પર ‘પાટીલ સામે પાટીલના ભાણેજ’, કોનું પલડું ભારે ?
સુરતની વિવિધ વિધાનસભા બેઠકો પર દાવેદારી નોંધાવવા માટે ભાજપના મુરતિયાઓ થનગની રહ્યા છે ત્યારે સુરતની લિંબાયત બેઠક પર ભાજપની ટિકિટ મેળવવા માટે વર્તમાન ધારાસભ્ય સંગીતા પાટીલ પોતાની દાવેદારી નોંધાવી છે. તેની સાથો સાથ આલોક ચૌધરી નામના સૌથી યુવા નેતાએ પણ પોતાની દાવેદારી કરી છે.
વર્તમાન ધારાસભ્ય સંગીતા પાટીલ વિરુદ્ધ હાલમાં જ વિરોધનો સૂર ઊભો થયો છે. જેની સામે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના ભાણેજ આલોક ચૌધરી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને વિવિધ સામાજિક ધોરણે પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તાર કરી રહ્યા છે અને તેમણે પણ દાવેદારી નોંધાવતા ફરી એકવાર સુરતમાં રાજકીય સમીકરણો બદલાતા હોય તેવું લાગી રહ્યું છે.
આ અગાઉ વરાછા બેઠક મુદ્દે ભાજપના હાલના ધારાસભ્ય કુમાર કાનાણી અને તેમની સાથે ઉદ્યોગપતિ અને વિશ્વ હિંદુ પરિષદનું મોટું નામ એવા દિનેશ નાવડીયાનું નામ આવતાં ઘણી ચર્ચાઓ ઊઠી છે. આજે જ્યારે કમલમ્ પર સંગીતા પાટીલના સમર્થકો અને આલોક ચૌધરીના સમર્થકો એકબીજાની સામસામે આવ્યા ત્યારે સૂત્રોચાર કર્યા હતા. આલોક ચૌધરીના સમર્થનમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ તેમની સાથે પહોંચ્યા હતા.
ભાજપના ઉમેદવાર માટે લગભગ નિશ્ચિત વિજય મેળવવાની બેઠક ગણાતી લિંબાયતની બેઠક પર પ્રદેશ સંગઠનના અને મોવડી મંડળના નેતાઓ કોના નામ પર મત્તુ મારે છે એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. પરંતુ હાલના સંજોગોમાં સુરત લિંબાયતની બેઠકને લઇને મુરતિયાઓ મોટી લાઇન લગાવી ચુક્યા છે.
આ પણ વાંચો : રાજકોટઃ જિલ્લા ભાજપ મંત્રીના પતિને સેન્સ પ્રક્રિયામાં જવા ન દેવાતા માથાકૂટ કરી; લિસ્ટમાં પૂર્વ CMનું નામ જ નહીં