હવે શું પાકિસ્તાન નહીં પહોંચી શકે સેમિફાઈનલમાં ? જાણો શું છે ગણિત
ઝિમ્બાબ્વેએ અંતિમ બોલના રોમાંચક મેચમાં પાકિસ્તાનને એક રનથી હરાવ્યું અને T20 વર્લ્ડ કપમાં તેની પ્રથમ સુપર 12 જીત નોંધાવી હતી. પર્થ સ્ટેડિયમમાં ઝિમ્બાબ્વે સામે 131 રનના સાધારણ લક્ષ્યાંક સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા બાદ પાકિસ્તાન, જેને તેની શરૂઆતની મેચમાં કટ્ટર હરીફ ભારત દ્વારા હરાવ્યું હતું, હવે તેની ટુર્નામેન્ટની આશાઓ તૂટેલી દેખાય રહી છે. ઝિમ્બાબ્વેની જીતથી હવે ગ્રુપ 2માં પાકિસ્તાનનું સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવાનું સમીકરણ રસપ્રદ બની ગયું છે.
ભારત, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેમાંથી કોઈપણ બે ટીમ સેમિફાઇનલમાં પ્રવેશે તેવી શક્યતા વધી ગઈ છે. જો કે હજુ પણ પાકિસ્તાનની ટીમ આ રેસમાંથી સંપૂર્ણપણે બહાર નથી થઈ. આપણે જાણીશું કે ગ્રુપ 2 માં કઈ ટીમનું સ્થાન છે અને નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવા માટે તેમને શું કરવું પડશે.
પાકિસ્તાન હવે સંપૂર્ણપણે ભારત પર નિર્ભર
પાકિસ્તાનની ટીમ સતત બે મેચ હાર્યા બાદ ખૂબ જ નબળી સ્થિતિમાં પહોંચી ગઈ છે. જોકે, તે હજુ પણ સેમિફાઇનલની રેસમાંથી બહાર નથી. અંતિમ ચારમાં પહોંચવા માટે પાકિસ્તાને બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ સામે જીત મેળવવી પડશે. આ ઉપરાંત તેણે એવી પણ પ્રાર્થના કરવી પડશે કે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે બંનેને હરાવે. વધુ એક શરત એ હશે કે ઝિમ્બાબ્વે ભારત સામે હારે તેમજ બાંગ્લાદેશ અને નેધરલેન્ડ સામે પણ હારે.
આ રહ્યું પાકિસ્તાનનું સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવાનું સમીકરણ
- સૌથી પહેલા પાકિસ્તાને તેની બાકીની ત્રણેય મેચ જીતવી જરૂરી છે.
- બીજું, પાકિસ્તાને તેની નેટ રન રેટ જાળવવા માટે ત્રણેય મેચો મોટા માર્જિનથી જીતવી પડશે.
- ત્રીજે સ્થાને, તેઓએ આશા રાખવી જોઈએ કે અન્ય પરિણામો તેમના માર્ગે આવશે- જેમાં દક્ષિણ આફ્રિકા ભારત અને પાકિસ્તાન સામે હારશે.
- આ સિવાય, ઝિમ્બાબ્વે તેની ભારત, નેધરલેન્ડ અને બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ મેચમાંથી કોઈ પણ બે મેચ હારી જાય.
- વધુમાં, તેઓએ આશા રાખવી જોઈએ કે બાંગ્લાદેશ વધુ એક મેચ હારી જાય.
આમ, જો ઉપર્યુક્ત પરિણામો પાકિસ્તાનની તરફેણમાં આવશે તો કદાચ પાકિસ્તાનની વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પહોંચવાની સંભાવના છે.
ગ્રુપ-2ની આ ટીમો પણ લગભગ બહાર
બાંગ્લાદેશે નેધરલેન્ડ સામે જીત મેળવી હતી પરંતુ દક્ષિણ આફ્રિકા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી બાંગ્લાદેશનો નેટ રન રેટ ઘણો ખરાબ થઈ ગયો છે. જો બાંગ્લાદેશને સેમિફાઇનલમાં પહોંચવુ છે તો તે માટે તેણે પોતાની બાકીની ચાર મેચ જીતવી પડશે.
નેધરલેન્ડ્સને પણ હવેથી સેમિ-ફાઇનલની રેસમાંથી બહાર ગણી શકાય. દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે સામે તેની ત્રણ મેચ બાકી છે. જો નેધરલેન્ડ્સને પણ સેમિફાઇનલમાં પહોંચવુ છે તો તેણે ત્રણેયમાં જીત મેળવવી પડશે. વર્તમાન સંજોગોમાં અસંભવ ન હોય તો ચોક્કસપણે આ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે.