કેજરીવાલ અને માન કાલથી ફરી ગુજરાતમાં, ત્રણ દિવસમાં 6 જાહેરસભા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે તેમ તેમ રાજકિય ગતિવિધિઓ વધતી જાય છે. ત્યારે આમ આદમી પાર્ટી રાજ્યમાં જોરશોરથી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન કાલથી ફરી એકવાર ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. ત્રણ દિવસમાં તેઓ છ જાહેરસભા યોજશે અને બંને નેતાઓ ગુજરાત પ્રદેશના આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત અને ચૂંટણીને લઇ આગામી રણનીતિ ઘડશે.
શું છે પ્રવાસની રૂપરેખા ? ક્યાં ક્યાં યોજાશે સભા ?
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સીએમ ભગવંત માનના ગુજરાત પ્રવાસ અંગે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, તારીખ 28, 29 અને 30 ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવવાના છે. 28મી ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભામાં બપોરે 12:00 વાગે એક જાહેર સભાને સંબોધિત કરશે. ઉપરાંત પાટણના કાંકરેજ વિધાનસભામાં બપોરે 2:00 વાગે જાહેર સભાને સંબોધિત કરશે. 29મી ઓક્ટોબરે નવસારીના ચીખલી વિધાનસભામાં સવારે 11:00 વાગે એક મોટી જાહેર સભાને સંબોધિત કરશે અને ત્યારબાદ તેઓ ભરૂચના ડેડીયાપાડા વિધાનસભાની અંદર એક જાહેર સભાને સંબોધિત કરશે. 30મી ઓક્ટોબરે ભાવનગરના ગારીયાધાર વિધાનસભામાં એક જાહેર સભાને સંબોધિત કરશે અને ત્યારબાદ તેઓ બપોરે 2:00 વાગે ધોરાજી ખાતે એક જાહેર સભાને સંબોધિત કરશે.