T 20 WC 2022: ટીમ ઈન્ડિયાને સિડનીમાં પ્રેક્ટિસ સેશન પહેલા આપવામાં આવી ઠંડી સેન્ડવિચ, ખેલાડીઓ ભડક્યા
સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતીય ટીમ હાલ સિડનીમાં છે, જ્યાં તેઓ પોતાની આગામી મેચની તૈયારીમાં વ્યસ્ત છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યાં છે કે ટીમને સિડનીમાં જે ખાવાનું આપવામાં આવ્યું તે પસંદ ન પડ્યું. આ અંગેની ફરિયાદ પણ કરવામાં આવી છે. અહીં એક ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયા અભ્યાસ સત્રમાં ભાગ નથી લઈ રહી. આ કારણે અભ્યાસ માટે નિર્ધારિત વેન્યૂ ટીમ હોટલથી ઘણું જ દૂર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
BCCIના સૂત્રએ જણાવ્યું કે, ‘ભારતીય ટીમને જે ખાવાનું આપવામાં આવ્યું હતું, તે સારું ન હતું. ત્યાં માત્ર સેન્ડવિચ જ આપવામાં આવી રહી છે. અભ્યાસ સત્ર પછી આપવામાં આવેલું ખાવાનું ઠંડુ પણ હતું. ICCને આ અંગે જાણ કરવામાં આવી છે.’ ટી-20 વર્લ્ડ કપ 2022 દરમિયાન ખેલાડીઓ અને સ્ટાફની ખાવાની વ્યવસ્થા ICC જ કરે છે. જો કે દ્વિપક્ષીય સીરીઝમાં યજમાન દેશના ક્રિકેટ બોર્ડ પર ખાવા-પીવાની જવાબદારી હોય છે.
BCCIના સૂત્રએ જણાવ્યું કે ટીમ ઈન્ડિયા હવે અભ્યાસ સત્રમાં ભાગ નહીં લે. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ, ‘સિડનીના બહારના વિસ્તારમાં આવેલ બ્લેકટાઉનમાં ટીમ ઈન્ડિયા માટે પ્રેક્ટિસ વેન્યૂ નિર્ધારિત કરાયું છે. ખેલાડી જે હોટલમાં રોકાયા છે ત્યાંથી પ્રેક્ટિસ વેન્યૂ સુધી પહોંચવા માટે લગભગ 45 મિનિટનો સમય લાગે છે. એવામાં ખેલાડીઓએ અભ્યાસ સત્રમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો છે.’
ટીમ ઈન્ડિયાની આગામી મેચ નેધરલેન્ડ્સ સામે
ભારતીય ટીમની આગામી મેચ 27 ઓક્ટોબરે છે. આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. અહીં ટીમ ઈન્ડિયાની સામે નેધરલેન્ડ ટકરાશે. નેધરલેન્ડ છેલ્લી મેચમાં બાંગ્લાદેશ સામે હારી ગયું હતું.