હાશ! આવી ગયું ચોમાસુઃ બંગાળની ખાડી પહોંચ્યું ચોમાસુ, 27મે સુધી કેરળ પહોંચવાની સંભાવના
દેશભરમાં પડી રહેલી આકરી ગરમી વચ્ચે રાહતના સમાચાર છે. ચોમાસાએ બંગાળની ખાડીમાં દસ્તક દઈ દીધી છે. આંદમાન નિકોબાર અને પશ્ચિમ બંગાળમાં હવે તેની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે બહુ જલ્દી ચોમાસુ કેરળ પહોંચવાની આશા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આ જ સપ્તાહે ઉત્તરાખંડ, મેઘાલય, અસમ અને કેરળમાં વરસાદની આગાહી કરી છે.
દેશના કયા શહેરમાં વરસ્યો વરસાદ
દેશમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 220 મિમી વરસાદ કેરળના કોચ્ચીમાં વરસ્યો હતો. જે વિશ્વમાં ચોથા નંબરે છે. સૌથી વધુ 264 મિમી વરસાદ કેનેડાના કારમાન શહેરમાં વરસ્યો હતો. જો કે, હવામાન વિભાગના કહેવા મુજબ, અસમ-મેઘાલયના જોબાઈમાં 290 મિમી, ચેરપૂંજીમાં 220 મિમી વરસાદ વરસ્યો હતો, પરંતુ, આ સ્થળો હજુ વિશ્વની યાદીમાં સામેલ થયા નથી.
અસમમાં પૂરથી હાલ-બેહાલ
અસમ અને મેઘાલયના કેટલાક જિલ્લામાં 100 મિમીથી વધુ વરસાદ વરસ્યો હતો. અસમમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. રાજ્યના હોજાઈ અને પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લાના કેટલાક ગામોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે લેન્ડસ્લાઈડના કારણે હાફલોંગમાં અંદાજીત 80 ઘર પ્રભાવિત થયા છે. ભૂસ્ખલનમાં 3 લોકોના મોત થયા છે. દીમા હસાઓના જિલ્લામાં પૂરના કારણે રેલવે લાઈન વહી ગઈ.
કેરળમાં વરસાદની આગાહી
કેરળના ભારે વરસાદની સંભાવના વચ્ચે કોલ્લમ, પઠાનમથિટ્ટા. અલાપ્પુજા, કોટ્ટાયમ, ઝડુક્કી અને એર્નાકુલમમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો તિરુવનંતપુરમ, ત્રિશુર, મલપ્પુરમ, કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
27 મે સુધી કેરળ પહોંચશે ચોમાસુ
ઉત્તરના પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી બેથી ત્રણ દિવસમાં બરફ સાથે હિમવર્ષા થવાની સંભાવના છે. પંજાબ, હરિયાણા, દિલ્લી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આગામી બે દિવસે ધૂળની ડમરી સાથે પવન ફૂંકાવવાની આગાહી છે. તો કેરળમાં 27મે સુધી ચોમાસુ પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ તરફ, રાજધાની દિલ્લીમાં રવિવારે અંગદઝાડતી ગરમી અને લૂના કારણે કેટલાક વિસ્તારોનું તાપમાન રેકોર્ડબ્રેક 49.2 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. દેશના કોઈ શહેરની સરખામણીમાં આ વર્ષનું સૌથી વધુ તાપમાન છે. તો બીજી બાજુ ઉત્તરપ્રદેશના બાંદામાં પણ રવિવારે તાપમાનનો પારો 49 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો.
રાજસ્થાનમાં ગરમીનો પારો ‘હાઈ’
રાજસ્થાનમાં ભીષણ લૂના કહેરથી માણસો, પશુઓ તો ઠીક વૃક્ષો પણ બાકાત રહ્યા નથી. અંગ દઝાડતી ગરમીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, જોધપુરના રસ્તાઓ પર પાણી છાંટવું પડ્યું. બીકાનેરમાં તો વૃક્ષોમાં આગ લાગી ગઈ. જો કે,આ આગ જંગલના કારણે લાગી પણ હોઈ શકે છે. તો, રાજસ્થાનના ચૂરુમાં સૌથી વધુ તાપમાન, જ્યારે જયપુરમાં સૌથી વધુ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું.
પંજાબમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ
પંજાબના અમૃતસર, જલંધર અને લુધિયાણામાં ગરમીએ છેલ્લા આઠ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. લુધિયાણામાં તાપમાન 45.5 ડિગ્રી પર પહોંચી ગયું હતું, જે સામાન્યથી 8 ડિગ્રી સુધી વધુ હતું. હવામાન વિભાગ અનુસાર, પંજાબના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. પરંતુ, આ રાહત થોડા દિવસો માટે જ રહેશે કારણકે ત્યારબાદ, ગરમીમાં ફરી વધારો થઈ શકે છે.
વિશ્વના 15 શહેરોમાં તાપમાન 47 ડિગ્રીને પાર
ભારતમાં રવિવારે એકતરફ રેકોર્ડબ્રેક ગરમી પડી, તો દેશના કેટલાક હિસ્સાઓમાં ભારે વરસાદ પણ વરસ્યો. રવિવારે દુનિયાના 15 શહેરોમાં 47 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. જેમાંથી 12 શહેર ભારત અને 3 શહેર પાકિસ્તાનના છે. બીજી તરફ, વિશ્વના જે 15 શહેરોમાં રવિવારે 100 મિમીથી વધુ વરસાદ પડ્યો હતો, તે છ શહેરો ભારતના છે.