સૌરવ ગાંગુલી નહીં પણ આ વ્યક્તિ બનશે CAB ના અધ્યક્ષ
CAB એટલે કે બંગાળ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. આ ચૂંટણીમાં CAB ના જ પૂર્વ અધ્યક્ષ અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ દાવેદારી નોંધાવી હતી અને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી પરંતુ આજે છેલ્લા દિવસની અંતિમ ઘડી સુધી તેણે પોતાનું ફોર્મ ભર્યું ન હતું. દિવસ પૂર્ણ થઈ જતા હવે આ પદ માટે વ્યક્તિની નિમણુંક કરવા એક સમિતિની રચના કરી તે જે વ્યક્તિને નક્કી કરે તે નવા અધ્યક્ષ બનશે. આ પદ માટે હાલ સૌરવ ગાંગુલીના જ મોટાભાઈ સ્નેહાસીશ ગાંગુલી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો ?
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, પરંતુ તેઓ છેલ્લી ક્ષણે પાછા હટી ગયા હતા. ચૂંટણી લડવા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ રવિવારે હતી, પરંતુ સૌરવે ઉમેદવારી નોંધાવી ન હતી. વિરોધી છાવણીમાંથી કોઈએ ઉમેદવારી નોંધાવી ન હોવાથી, હવે 31 ઓક્ટોબરે યોજાનારી CABની વાર્ષિક સામાન્ય સભામાં ચૂંટણીને બદલે પસંદગી દ્વારા નવી સમિતિની રચના કરવામાં આવશે. સુત્રોના જણાવ્યાનુસાર સૌરવના મોટા ભાઈ સ્નેહાસીશ ગાંગુલીને આગામી CAB પ્રમુખ તરીકે ચૂંટવાનું લગભગ નિશ્ચિત છે, જે અગાઉ CABના સચિવ હતા. તેવી જ રીતે અમલેન્દુ બિસ્વાસ ઉપપ્રમુખ બનવાની આશા છે. દેવબ્રત દાસ સંયુક્ત સચિવ તરીકે, નરેશ ઓઝા સચિવ તરીકે અને પ્રબીર ચેટર્જી ખજાનચી તરીકે કાર્યભાર સંભાળશે. અત્યાર સુધી, સૌરવના પાછા હટવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ઉલ્લેખનીય છે કે BCCI પ્રેસિડેન્ટ બનતા પહેલા સૌરવ CABના પ્રેસિડેન્ટ હતા. તેમણે ત્રણ વર્ષ સુધી આ પદ સંભાળ્યું હતું.