પાલનપુર : ડીસાના સેવન સ્ટાર ફાઉન્ડેશનના આ રિયલ હીરોએ અનેક દિવ્યાંગના જીવનમાં ઉજાસ પાથર્યા
પાલનપુર : ડીસા શહેરમાં સેવન સ્ટાર ફાઉન્ડેશન નામની એક સ્વૈચ્છિક સેવા સંસ્થા કાર્યરત છે. તેના ચાર સભ્યો રવિ રાવલ, સુભાષ ટાંક, વિરાજ ગોસ્વામી અને રાહુલ ગેલોત સાથે અન્ય સભ્યો ખરેખર રિયલ હીરો કહી શકાય તેવી તેઓ સેવા કરી રહ્યા છે. સંસ્થાને લોકો દિલથી આર્થિક મદદ કરી રહ્યા છે, કેમ… ? ચાલો આપણે જાણીએ….
ઘટના એવી છે કે, આઠ વર્ષ પહેલા ટીકુ બેનના પતિનું અવસાન થયું. ત્રણ બાળકોના પોષણની જવાબદારી માતાના શિરે આવી. અભ્યાસથી માંડીને તેમની બધી જ જરૂરિયાત માટે લોકોના ઘરના કચરા, પોતા- વાસણ કામ કરી ગુજારો થઈ રહ્યો હતો. ટીકુ બેનને એપેન્ડિક્સ નું ઓપરેશન આવ્યું, અને ત્રણ માસ પથારીવશ થયા. બાળકોને હવે ખાવાના ફાંફા પડી રહ્યા હતા. બાળકો સવારે શાળામાં અભ્યાસ માટે જાય અને બપોરે શાળાએથી આવી દફતર મૂકીને સીધા લોકોના ઘરના કામ કરવા જાય, ત્યાંથી જે મળે તે ખાવાનું અને ગુજારો ચાલે.
પરંતુ એવું કેટલા દિવસ. સાંજે તો ઘરનો ચૂલો પણ ના સળગે. બાળકોની હાલત અત્યંત દયનીય બની. આ સંસ્થાના સભ્યને જાણ થઈ, તેમને ઘરની મુલાકાત લીધી અને પરિવારને શાન્તવના પાઠવી. ત્રણ માસનું કરિયાણું આ પરિવારને સંસ્થા દ્વારા આપવામાં આવ્યું. ત્યારે બાળકોના ચહેરા ઉપર નૂર આવ્યું. પરંતુ એક વસવસો હતો. જો પિતા હયાત હોત તો કદાચ આ દિવસો જોવા ના પડત.
સામાન્ય પરિવારના સભ્યોના ઓપરેશન, કરિયાણું, રોજગાર જેવી અનેક મદદ કરી
સેવન સ્ટાર ફાઉન્ડેશનના રવિ રાવલ અને તેમની ટીમ આવા અનેક કિસ્સાઓમાં મદદ કરી ચૂક્યા છે. દિવ્યાંગ ભાઈ -બહેનોને રોજગાર માટે કેબિન બનાવી આપી તેમાં સામાન ભરાવીને સ્વમાનભેર તેઓ રોજગારી મેળવતા થાય તેવા પ્રયાસો કર્યા. જેથી તેમને કોઈ વ્યક્તિ સામે હાથ ફેલાવો ના પડે. અન્ય કિસ્સાઓમાં સ્લમ વિસ્તારના નાના બાળકોને ભોજન પ્રબંધ, 30થી વધુ બાળકોને હોટલમાં લઈ જઈ ત્યાં ભોજન અને રમત ગમત આનંદપ્રમોદ કરાવ્યા, બે પગે દિવ્યાંગ બાળા શાળાએ જઈ શકતી નહતી, તેને નવી સાયકલ અપાવી. આવા અનેક સેવાકીય કામો તેમને કર્યા છે.
એક એવો કિસ્સો પણ હતો જેમાં રેખાબેન નામની એક વિધવા મહિલા, જેને નાનપણથી પોલિઓ થયો હતો. જ્યારે પતિનું 8 વર્ષ પહેલા કેન્સર થવાથી નિધન થયું હતું. ઘરમાં કમાનાર કોઈ નહીં, ઘરનું ભાડું ચડી ગયું હતું, ખાવા પીવાની પણ મુશ્કેલી પડી રહી હતી. આ સંસ્થાના યુવાનો તેમના ઘરે પહોંચ્યા અને તેમને મદદ કરી, મહિલાને કેબિન અપાવીને તેમાં સામાન ભરાવી રોજગારી રળતા કર્યા. તો એક પરિવારના દીકરાને સતત ખેંચ આવતા સિવિલમાં દાખલ હતો. જેને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો અને જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી હોસ્પિટલનો તમામ ખર્ચ તેમને ઉપાડી લીધો હતો. સ્વસ્થ થતા માતા યુવાનોને કહી રહી હતી કે, તમે જ બ્રહ્મા… વિષ્ણુ….અને મહેશ….થઈને આવ્યા છો. ભગવાન તમારુ કલ્યાણ કરે….
આ દિવાળીએ કોઈને મદદ કરો
સેવન સ્ટાર ફાઉન્ડશનને દાતાઓ દ્વારા સેવાકીય પ્રવૃતિ માટે આર્થિક મદદ મળી રહી છે. તેના થકી નિસ્વાર્થ સેવાની આ પ્રવૃત્તિ ચાલી રહી છે. સભ્યો પોતે પણ આર્થિક મદદ કરી રહ્યા છે. ત્યારે આ દિવાળીમાં જરૂરિયાત મંદ કોઈપણ વ્યક્તિના ચહેરા ઉપર હાસ્ય ફેલાય તે માટે સંસ્થાને મદદ કરવાની ઈચ્છા થાય તો કરવા જેવી છે.
આ પણ વાંચો : અયોધ્યા દીપોત્સવ : PM મોદી અયોધ્યાના સરયૂ ઘાટ પહોંચ્યા, CM યોગી સાથે આરતી કરી