વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના 24 ડીઇઓ-ડીપીઇઓની બદલી
રાજ્યના 24 જેટલા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (ડીપીઇઓ)ની ચૂંટણી પૂર્વે બદલી કરી દેવામાં આવી છે. સતત ત્રણ વર્ષ ફરજ બજાવતા હોય અથવા વતનમાં નોકરી કરનાર ડીઇઓની વહિવટી સરળતા ખાતર અરસ-પરસ બદલીઓ કરવામાં આવી છે પરંતુ રાજકોટ શહેર-જિલ્લા માટે લાંબા સમયથી માંગણી અને મંજૂર થયેલી બે અલગ ડીઇઓની જગ્યા બાબતે રાજ્ય સરકારે હજુ કોઇ નિર્ણય લીધો નથી.
કોની ક્યાં કરાઈ બદલી?
રાજ્યના 24 જેટલા ડીઇઓ કક્ષાના અધિકારીઓની શિક્ષણ વિભાગ દ્વારા બદલી કરવામાં આવી તેમાં સૌરાષ્ટ્ર-કચ્છના ભગવાનભાઇ પ્રજાપતિને ગાંધીનગર, ગાંધીનગરના ડો. ભરત વાઢેરને બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ભાવનગરના કિશોરભાઇ મિયાણીને અમરેલી ડી.પી.ઇ.ઓ. તરીકે, પોરબંદરના એસ.જે. કુમરાળિયા (પ્રાચાર્ય) દેવભૂમિ દ્વારકાના ડી.ઇ.ઓ. તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે ભાવસિંહ વાઢેરને જૂનાગઢ ડીઇઓ, મીનાબેન ગઢવીને સુરેન્દ્રનગરથી સીધા સાબરકાંઠા ડી.ઇ.ઓ., બોટાદના ડીઇઓ ધારાબેન પટેલને તાપી ડીઇઓ, સુરેન્દ્રનગરના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ખેડાથી શિલ્પાબેન પટેલને મુકવામાં આવ્યા છે. ચૂંટણી પૂર્વે જ ડીઇઓ, ડીપીઇઓની સાગમટે બદલી થતાં નવા વર્ષમાં જ હવે અધિકારીઓ ચાર્જ લેશે.