ઝારખંડમાં સોફ્ટવેર એન્જિનિયર સાથે 10 શખ્સોનું સામુહિક દુષ્કર્મ
ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના ચાઈબાસામાં 26 વર્ષની સોફ્ટવેર એન્જિનિયર યુવતી પર 10 લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાના સનસનાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે. આ ઘટના ગત ગુરુવારે બની હતી.
પીડિતાને માર મારી 8-10 લોકો અવાવરું જગ્યાએ લઇ ગયા
સમગ્ર ઘટના અંગે પીડીતાએ જણાવ્યું હતું કે તે ઘરેથી કામ કરી રહી છે. તે તેના મિત્ર સાથે ગુરુવારે સાંજે ટુ-વ્હીલરમાં ચાઈબાસાના જૂના એરોડ્રોમ વિસ્તારમાં ગઈ હતી. જ્યાં તેઓ રસ્તા પર વાત કરી રહ્યા હતા, આ દરમિયાન 8-10 લોકો આવ્યા અને પહેલા તેમને માર માર્યો. બાદ તેઓ તેને બળજબરીથી અવાવરું સ્થળે લઈ ગયા અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
પીડિતાનું પર્સ અને મોબાઈલ છીનવી લીધો
દુષ્કર્મ બાદ આરોપીઓ પીડિતાને ત્યાં જ છોડીને ભાગી ગયા હતા. તેઓએ તેનું પર્સ અને મોબાઈલ ફોન પણ છીનવી લીધા હતા. આ પછી પીડિતા ગમે તેમ કરી તેના ઘરે પહોંચી અને પરિવારને ઘટના વિશે જણાવ્યું. જે બાદ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ
પોલીસે જણાવ્યું કે પીડિતા એક પ્રતિષ્ઠિત આઈટી કંપનીમાં કામ કરે છે. 10 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. હાલ આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં સંડોવાયેલા લોકોની ઓળખ માટે તપાસ ચાલી રહી છે. પીડિતાનું મેડિકલ ચેકઅપ ચાઈબાસાની સદર હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યું છે. આ મામલે મુફાસિલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.