કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં કારખાનામાં ભાગીદારી આપવાનું કહી રૂપિયા 5 કરોડની છેતરપિંડી

Text To Speech

રાજકોટ શહેરમાં અગાઉ એસ્ટેટ બ્રોકર પાસેથી હાથ ઉછીના રૂ.5 કરોડ લઈ તેઓને કારખાનામાં ભાગીદાર બનાવશે તેવી લાલચ આપી બાદમાં રકમ કે ભાગીદારી કંઇપણ નહીં આપી ઠગાઈ આચરનાર મિત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુનિ. પોલીસ મથકે એસ્ટેટ બ્રોકરના પુત્રએ ફરિયાદ નોંધાવી હતી. તેના પિતાનું કોરોનામાં અવસાન થયું હોય આખરે પોલીસે પુત્રની ફરિયાદ ઉપરથી વધુ તપાસ શરૂ કરી છે.

જાણો શું છે સમગ્ર મામલો..?
કાલાવડ રોડ પરનાં રોયલ પાર્કમાં ક્રિષ્ના-બી એપાર્ટમેન્ટમાં રહેતા અને ટી. એન. રાવ કોલેજમાં બી.એસસી., માઈક્રોબાયોલોજીનો અભ્યાસ કરતાં પાર્થ ભીમાણી (ઉં.વ. 20)એ શહેરનાં જામનગર રોડ પરનાં નાગેશ્વરમાં અરિહંત એવન્યુ-બીમાં રહેતાં ભરત શિવજીભાઈ લીંબાણી સામે જમીન – મકાનના ધંધાર્થી પિતા વિનોદભાઈ પાસેથી કટકે – કટકે રૂા. 5 કરોડ હાથ ઉછીના લીધા બાદ બદલામાં કારખાનામાં ભાગીદાર નહીં બનાવી અને રકમ પણ પરત નહીં આપી વિશ્વાસઘાત, છેતરપિંડી કર્યાની ફરિયાદ ગાંધીગ્રામ-2 પોલીસમાં નોંધાવી છે. પાર્થે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેના પિતા વિનોદભાઈનું ગઈ તા. 12/05/2021નાં રોજ કોરોનાનાં કારણે અવસાન થયું હતું. તેના પિતા રિયલ એસ્ટેટ ઉપરાંત ખેતીનું કામ કરતા હતા. તેનાં પિતાનો આરોપી ભરત 15 વર્ષ જૂનો મિત્ર હતો. એટલું જ નહીં બંનેના પરિવાર વચ્ચે પણ સંબંધ હતા.

ખુરશી બનાવવાના કારખાના માટે લીધા હતા ઉછીના રૂપિયા
પાર્થએ ફરિયાદમાં જણાવ્યું હતું કે 2020ની સાલમાં ભરતે તેના પિતા પાસેથી મેટોડામાં ખુરશી બનાવવાના કારખાના માટે રૂા. 5 કરોડ હાથ ઉછીના માગ્યા હતા. થોડા સમય બાદ રકમ પરત આપવાની ખાત્રી આપી હતી. બાદમાં તેણે રૂા.1.10કરોડથી માંગ કરતા તેનાં પિતાએ જે બચત હતી તે ભેગી કરી રૂા.1.10 કરોડ આપ્યા હતા. થોડા સમય બાદ રૂા. 70 લાખ માંગતા તેના પિતાએ ટંકારાના છતર ગામે દાદાએ વેચેલી જમીનના જે રૂપિયા 80 લાખ આપ્યા હતા તે આપી દીધા હતા. જુલાઈ 2020માં ભરતે વધુ રૂા.1.20 કરોડ માંગ્યા હતા. તે વખતે તેના પિતાએ કહ્યું હતું કે હાલ કોરોનાનો સમય છે, એટલે તેની પાસે આટલી મતબાર રકમ નથી.આ વાત સાંભળી ભરતે મિત્ર વર્તુળ અને સગા-વ્હાલાઓ પાસેથી ચાર-પાંચ મહિના માટે રકમની વ્યવસ્થા કરી આપવા વિનંતી કરતા તેના પિતાએ તેમ કરી રૂા.1.20 કરોડ આપી દીધા હતા. તેના એક માસ બાદ ભરતે અરજન્ટ ખુરશી બનાવવાની ડાય ખરીદવાના બહાને વધુ રૂા.60 લાખ માગતા તેના પિતાએ ઈનકાર કર્યો હતો. આ વખતે ભરતે કારખાનામાં ભાગીદારી આપવાની લાલચ આપતા તેના પિતાએ સહમત થઈ બીજા મિત્રો પાસેથી 60 લાખ લઈ આપી દીધા હતા. તે વખતે ભરતે તેના પિતાને કહ્યું હતું કે તમારા રૂપિયા કારખાનુ શરૂ થયેથી થોડા જ વખતમાં પરત આપી દઈશ. ભવિષ્યમાં આપણે સાથે મળીને ખૂબ સારો નફો મેળવીશું તેમ કહી તેના પિતાને વિશ્વાસમાં લઈ કટકે-કટકે રૂા. 5 કરોડ લઈ લીધા હતા.

ભાગીદારી કરાર કરવાનું કહેતાં ભરત ગલ્લાં-તલ્લાં કરતો
બાદમાં ઘણા સમય પછી પણ ભરતે પાર્થના પિતાને કારખાનામાં ભાગીદારી કે નફો કે પાંચ કરોડ આપ્યા ન હતા. અવાર-નવાર તેના પિતાએ ભાગીદારી કરાર કરવાનું કહેતાં ભરત ગલ્લાં-તલ્લાં કરતો હતો.

2021માં પિતાનું કોરોનાને કારણે અવસાન થયું
આ દરમિયાન 2021માં પાર્થના પિતાનું કોરોનાને કારણે અવસાન થયું હતું. તે પહેલા પિતાએ મરણપથારીએથી ભરત પાસેથી રૂા. 5 કરોડ લેવાના બાકી હોવાનું કહ્યું હતું. આ પછી તેણે પિતાનો મોબાઈલ ફોન ચેક કરતાં તેમાં તેના પિતા ભરત પાસેથી ઉઘરાણી કરતા હોવાના રેકોર્ડિંગ મળી આવ્યા હતા. જેથી તેણે તેના પિતાના મિત્રોને સાથે રાખી રૂા . 5 કરોડની ઉઘરાણી અને કારખાનામાં ભાગીદારી ઉપરાંત નફો માગતા વાયદો જ કર્યો હતો. તેના થોડા સમય બાદ 2021માં સપ્ટેમ્બર માસમાં તે માતા બિંદુબેન સાથે ઉઘરાણી કરતા ભરતનાં ઘરે જતા સિક્યુરીટી પેટે પાંચ એક આપી, છ માસમાં પેમેન્ટ કરી આપવાનો વાયદો કર્યો હતો. છ માસ બાદ ફરીથી ઉઘરાણી માટે ઘરે જતા ભરતના પત્નીએ કહ્યું કે તેના પતિ છેલ્લા ચાર-પાંચ માસથી ઘરે આવ્યા નથી. હાલ ક્યાં છે તેની તેને પણ ખબર નથી. મોબાઈલ ફોન પણ બંધ આવે છે. બાદમાં તેણે ભરતે આપેલો રૂા.30 લાખનો ચેક વટાવવા જતાં પરત ફર્યો હતો. જેથી કંટાળી આખરે ફરિયાદ નોંધાવી હતી.

Back to top button