નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 લાખ કર્મચારીઓની ભરતીનો અભિયાન અંતર્ગત આજે ’રોજગાર મેળા’નો શુભારંભ કર્યો. PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાની શરૂઆત કરી. આ અવસરે PM મોદીએ 75,000 લોકોને નિમણૂક પત્રો આપ્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હરિયાણાના ગુરુગ્રામમાં સમારંભમાં ભાગ લીધો હતો. ભરતી અભિયાન દ્વારા દોઢ વર્ષમાં એટલે કે ડિસેમ્બર 2023 સુધીમાં 10 લાખ યુવાનોને નોકરીઓ આપવાનું લક્ષ્ય છે. આ નિમણૂકો કેન્દ્ર સરકારના 38 મંત્રાલયો અને વિભાગોમાં હશે.
વડાપ્રધાન મોદીએ રોજગારી મેળાનું શુભારંભ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાનો શુભારંભ કર્યો. આ અંતર્ગત 10 લાખ યુવાનોને રોજગાર મળશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું- “છેલ્લાં 8 વર્ષમાં દેશમાં રોજગારી અને સ્વરજોગારીનું જે અભિયાન ચાલી રહ્યું છે, આજે તેમાં એક કડી વધુ જોડાઈ ગઈ છે. આ કડી છે રોજગારીની. આજે કેન્દ્ર સરકારે 75 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપ્યા છે. વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધી માટે આપણે આત્મનિર્ભર ભારતના રસ્તે ચાલી રહ્યાં છીએ. જેમાં આપણાં ઈન્વેસ્ટર્સ, એન્ટરપ્રિનૂર્સ, ઉદ્યોગપતિઓ, ખેડૂતો, સર્વિસિઝ અને મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા લોકોની મહત્વની ભૂમિકા છે. આજે કેન્દ્ર સરકારના વિભાગમાં એટલી તત્પરતા, એટલી ક્ષમતા આવી ગઈ છે જેની પાછળ 7-8 વર્ષની સખત મહેનત, કર્મયોગીનો વિરાટ સંકલ્પ સામેલ છે.”
‘વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા’
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે- “આજે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 7-8 વર્ષની અંદર આપણે 10માં નંબરેથી 5 નંબરે છલાંગ મારી છે. આ વાત શક્ય બની છે કેમકે આપણાં દેશની અર્થવ્યવસ્થાની તે ઉણપને દૂર કરી છે જે અડચણો ઊભી કરતી હતી.”
દેશની યુવા વસતિ આપણી સૌથી મોટી તાકાતઃ વડાપ્રધાન
યુવાનોનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને કહ્યું કે- “આજે આપણો સૌથી વધુ જોર યુવાનોના કૌશલ વિકાસ પર છે. વડાપ્રધાન કૌશલ વિકાસ યોજના અંતર્ગત દેશમાં ઉદ્યોગોની જરુરિયાત મુજબ યુવકોને ટ્રેનિંગ આપવાનું એક ઘણું જ મોટું અભિયાન ચાલી રહ્યું છે. દેશની યુવા વસતિને અમે આપણી સૌથી મોટી તાકાત ગણાવીએ છીએ. આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણના સારથી આપણાં યુવાનો છે.”
ગ્રામ્ય ક્ષેત્રે પણ રોજગારીનું નિર્માણ થયુઃ વડાપ્રધાન
વડાપ્રધાને પોતાના સંબોધનમાં ગ્રામીણ ક્ષેત્રનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે “ગામડાંમાં મોટી સંખ્યામાં રોજગારી નિર્માણનું વધુ એક ઉદાહરણ આપણી ખાદી અને ગ્રામદ્યોગ છે. દેશમાં પહેલી વખત ખાદી અને ગ્રામદ્યોગ, એક લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. આ વર્ષોમાં ખાદી અને ગ્રામદ્યોગમાં એક કરોડથી વધુ રોજગારી ઊભી થઈ છે. જેમાં પણ મોટી સંખ્યામાં આપણી બહેનોની ભાગીદારી વધુ છે.”
‘21મી સદીમાં દેશના સૌથી મહત્વાકાંક્ષી મિશન છે, મેક ઈન ઈન્ડિયા’
પીએમ મોદીએ કહ્યું કે સ્ટાર્ટ અપ ઈન્ડિયા અભિયાને તો દેશના યુવાનોના સામર્થ્યને સમગ્ર દુનિયામાં સ્થાપિત કર્યું છે. વર્ષ 2014 સુધી જ્યાં દેશમાં અમુક જ સ્ટાર્ટ અપ હતા, આજે તે સંખ્યા 80 હજારથી વધુ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે 21મી સદીમાં દેશના સૌથી મહત્વાકાંક્ષી મિશન છે, મેક ઈન ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત. તેમણે કહ્યું આજે દેશ અનેક મામલામાં એક મોટો આયાતકારથી એક મોટા નિકાસકારની ભૂમિકામાં આવી રહ્યો છે. અનેક એવા સેકટર્સ છે જેમાં ભારત આજે ગ્લોબલ હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
શું કહ્યું લાભાર્થીઓએ
PM મોદીએ આજે 10 લાખ કર્મચારીઓ માટે રોજગાર મેળાનો શુભારંભ કર્યો. આજે આ પ્રસંગે 75,000 લાભાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા. ત્યારે કોલકાતાના લાભાર્થીઓએ કહ્યું કે આ એક સારી પહેલ છે. નોકરીની જરૂરિયાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સકારાત્મક સારું અભિયાન છે. તો અન્ય એક લાભાર્થીઓએ જણાવ્યું છે કે પસંદગી પ્રક્રિયા ન્યાયી હતી. આ અમારા માટે પ્રોત્સાહક અને સારી તક છે.
અહીંથી 10 લાખ નોકરીઓ આવશે
હાલમાં ગ્રુપ A ગેઝેટેડ કેટેગરીમાં 23584 જગ્યાઓ, ગ્રુપ B ગેઝેટેડ કેટેગરીમાં 26282 જ્યારે ગ્રુપ C નોન-ગેઝેટેડ કેટેગરીમાં 8.36 લાખ જગ્યાઓ ખાલી છે. એકલા રક્ષા મંત્રાલયમાં જ 39366 ગ્રુપ બી નોન ગેઝેટેડ અને 2.14 લાખ ગ્રુપ સીની જગ્યાઓ ખાલી છે. રેલ્વે અને ગૃહ મંત્રાલયમાં ગ્રુપ સીના 2.91 લાખ ગ્રુપ C નોન-ગેઝેટેડ કેટેગરી હેઠળ 1.21 લાખ જગ્યાઓ ખાલી છે.
PMના આ મેગા જોબ કેમ્પેન હેઠળ સંરક્ષણ મંત્રાલય, રેલ્વે મંત્રાલય, પોસ્ટ વિભાગ, ગૃહ મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન, કસ્ટમ્સ અને બેંકિંગ, સશસ્ત્ર દળોના કર્મચારીઓ, સબ ઈન્સેપેક્ટર, કોન્સ્ટેબલ, એલડીસી, સ્ટેનો, પીએ અને આવકવેરા નિરીક્ષક સહિત 38 વિભાગોમાં દેશભરમાંથી પસંદ કરાયેલા યુવાનોને નોકરીઓ આપવામાં આવશે.