મેલબર્નઃ T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ પહેલી મેચ રવિવારે પાકિસ્તાન સામે મેલબર્ન ખાતે રમશે. આ મેચ પહેલાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો. આ દરમિયાન રોહિતને ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જશે કે કેમ તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આનો જવાબ આપતા રોહિતે કહ્યું કે, મારું માનવું છે કે અમે વર્લ્ડ કપ રમવા આવ્યા છીએ અને અમારે તેના પર જ ધ્યાન આપવું જોઈએ કારણકે તે અમારા માટે મહત્ત્વપૂર્ણ છે.
BCCI નિર્ણય લેશે
રોહિતે કહ્યું કે, અમે આ અંગે ચિંતિત નથી કે પછી શું થવાનું છે. તે બાબતે વિચારીને કોઈ મતલબ નથી, BCCI તેના પર નિર્ણય લેશે. અમે આ સમયે માત્ર વર્લ્ડ કપ વિશે જ વિચારી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાન પાસે છે પરંતુ BCCIના સચિવ જય શાહે પહેલા જ કહી દીધું છે કે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય.
વર્લ્ડ કપની તૈયારી કરી છે, કોઈ દબાણ નથીઃ રોહિત
રોહિત શર્માએ આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને તેની ટીમના ખેલાડીઓ પર કોઈ દબાણ નથી. તેણે કહ્યું કે, પાકિસ્તાન સામેની પ્લેઈંગ ઈલેવનનો નિર્ણય મેચના દિવસે મેલબર્નના હવામાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે કારણ કે અહીંનું હવામાન ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યું છે.
પાકિસ્તાનની બોલિંગ મજબૂત, ભારતની બેટિંગઃ રોહિત શર્મા
રોહિત શર્માએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રોમાંચક બની રહેશે કારણ કે ભારતીય ટીમની બેટિંગ મજબૂત છે, જ્યારે પાકિસ્તાનની બોલિંગ સારી છે. તેણે ટીમ કોમ્બિનેશન વિશે કંઈ ન કહ્યું, પરંતુ ઝડપી બોલર મોહમ્મદ શમીના વખાણ કર્યા અને કહ્યું કે તે લયમાં છે. રોહિત શર્માએ એમ પણ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે મેલબોર્નની મેચ સંપૂર્ણ 40 ઓવરની હોય, પરંતુ જો ઓવર ઓછી થાય તો અમે તૈયાર છીએ. આ મેચમાં ટોસ મહત્વપૂર્ણ બની રહેશે.