અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે 20 રૂપિયાનો વધારો, સાત લાખથી વધુ પશુપાલકોને થશે ફાયદો
આણંદઃ અમૂલ ડેરી દ્વારા વર્ષમાં સતત ત્રીજી વખત દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ. 20નો વધારો કરવામાં આવ્યો છે. દિવાળી પહેલા જ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. પશુપાલકોને આ ભાવવધારાનો લાભ 1લી નવેમ્બરથી મળશે.
ભેંસના દૂધના ખરીદ ભાવમાં 1.24થી 1.44 રૂપિયા પ્રતિ લીટર તેમજ ગાયના દૂધના ખરીદ ભાવમાં 0.42થી 0.46 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. આમ છેલ્લા સાત મહિના દરમિયાન દૂધના ખરીદ ભાવમાં ત્રીજી વખત વધારો કરાયો છે.
1લી નવેમ્બરથી પશુપાલકોને થશે આર્થિક ફાયદો
આણંદ સ્થિત અમૂલ ડેરી દ્વારા 1લી નવેમ્બરથી સવારથી જ દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ. 20નો વધારો કરવામાં આવશે. આમ દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ. 760થી વધારીને રૂ. 780 આપવામાં આવશે. આ નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકળાયેલા આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના સાત લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.
પ્રતિકિલો ફેટે 20 રૂપિયાનો વધારો
આણંદ અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, આ વર્ષે લમ્પી રોગથી પશુપાલકોને મુશ્કેલી ઉભી થઇ છે. ગત વર્ષની સરખામણીમાં પશુઓના ખોરાકના ખર્ચમાં અંદાજીત 20 ટકા જેટલો વધારો થયો છે. જેથી ઘાસચારા સાથે સાથે દાણના ભાવમાં પણ વધારો થવાથી પશુપાલકોનું આર્થિક ભારણ વધ્યું છે, જેને ધ્યાનમાં લઇ આણંદ અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ. 20નો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
1200થી વધુ દૂધ મંડળી
આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં 1200થી વધુ દૂધ મંડળી આવેલી છે. જેમાં સાત લાખથી વધુ પશુપાલકો દરરોજ 25 લાખ લીટર જેટલું દૂધ ભરે છે. અમૂલ ડેરી દ્વારા દૂધની ખરીદીમાં રૂ. 20નો વધારો કરવામાં આવતાં આ દૂધ ઉત્પાદકોને મહિને રૂ. 6 કરોડ ઉપરાંતની રકમની આવકમાં વધારો થશે.