સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયામક નિલેશ સોનીનું રાજીનામું, પેપર લીક થયા બાદ લીધું પગલું
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીએ નિયામક પદેથી રાજીનામું આપી દીધું છે. થોડા મહિના પહેલા જ નિલેશ સોનીની પરીક્ષા નિયામક પદે નિમણૂક કરવામાં આવી હતી. તાજેતરમાં જ બીબીએ અને બીકોમ સેમેસ્ટર-5ના જે પેપર લીક થયા હતા તેના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા હતા.
પરીક્ષા નિયામક તરીકે સંપૂર્ણ જવાબદારી પોતાની ઉપર જ આવવાની અને પોલીસ તપાસ, એફએસએલ અને કુલપતિના દબાણ સહિતની અનેક બાબતોથી કંટાળી જઇ આખરે નિલેશ સોનીએ યુનિવર્સિટીના પરીક્ષા નિયામક પદેથી રાજીનામું ધરી દીધું હોવાનું સામે આવી રહ્યું છે.
અગાઉ પણ પરીક્ષા નિયામક નિલેશ સોનીએ રાજીનામું આપ્યું હતું પરંતુ તે સમયના કુલપતિએ મંજૂર કર્યું નહોતું. તેઓ કાર્યકારી પરીક્ષા નિયામક તરીકે નિમાયા હતા. જે બાદ નવા કુલપતિ ડો. ગિરીશ ભીમાણી દ્વારા તેઓની કાયમી પરીક્ષા નિયામક તરીકે નિમણૂક કરાઇ હતી. પરંતુ તેઓએ રાજીનામું આપતાં ખળભટાળ મચી ગયો છે. હજુ સુધી તપાસમાં કોઈપણ ફરિયાદ નોંધવામાં આવી નથી.