હરિયાણાના ગુરુગ્રામમાં ઈફ્કો ચોકના હાઈવે નજીકથી પોલીસને બિનવારસી હાલતમાં એક બેગ મળી આવી હતી. અહીંથી પસાર થતાં એક રિક્ષા ચાલકની નજર બેગ પર પડતા તેણે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી હતી અને બેગ ખોલીને જોયું તો ત્યાં હાજર તમામ લોકો ચોંકી ગયા હતા, કારણકે બેગમાં મહિલાની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવી હતી.
24 કલાકમાં ઉકેલ્યો ગુનાનો ભેદ
મહિલા નિર્વસ્ત્ર હાલતમાં હતી એક પણ કપડું નહોતું. પરંતુ, મહિલાના હાથ પર ચાકુથી ખોતરેલા નિશાન હતા. તો બીજી તરફ મહિલા કોણ છે તે દિશામાં તપાસ કરતી પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા તપાસ્યા. જેમાં એક શખ્સ આ બેગ અહીં મૂકી ફરાર થતો નજરે પડ્યો હતો. તેના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી અને આરોપીને દબોચી તેની પૂછપરછ કરી હતી. જેમાં આરોપીએ મહિલાની હત્યા કર્યાનું કબૂલ્યું હતું.
પતિએ જ કરી પત્નીની હત્યા
પોલીસે જે આરોપીની ધરપકડ કરી હતી. તે આરોપી રાહુલ હતો. જેણે તેની પત્ની પ્રિયંકાની હત્યા કરી હતી. વર્ષ 2021માં રાહુલ અને પ્રિયંકાએ લવમેરેજ કર્યા હતા. ત્યારબાદ, તેમના ઘરે એક દીકરીનો પણ જન્મ થયો હતો. લવમેરેજ ઘરે ગુરુગ્રામમાં રાહુલ અને પ્રિયંકા ભાડાના મકાનમાં રહેતા હતા. ગુરુગ્રામમાં જ આવેલી એક કંપનીમાં રાહુલ નોકરી કરતો હતો. તેનો માસિક પગાર 12 હજાર રૂપિયા હતો. તો બીજી તરફ પ્રિયંકા રાહુલ પાસે ક્યારેક ટીવી તો ક્યારેક મોંઘો મોબાઈલ ફોન લાવી આપવાની જીદ કરતી હતી. તે બાબતે રાહુલ અને પ્રિયંકા વચ્ચે અવાર-નવાર ઝઘડા થતાં હતા. આ બધાથી કંટાળી રાહુલે 16 ઓક્ટોબરની રાત્રે પ્રિયંકાનું ગળુ દબાવી હત્યા કરી નાંખી.
બજારમાં બેગ ખરીદી પત્નીની લાશ બેગમાં ભરી
પત્નીની હત્યા બાદ રાહુલ આખી રાત લાશ આગળ ઘરમાં બેસી રહ્યો. બીજા દિવસ એટલે કે 17 ઓક્ટોબરની સવાર પડતા રાહુલ બજારમાંથી મોટી બેગ ખરીદીને લાવ્યો અને એ બેગમાં પત્નીની લાશ ભરવા ની કોશિશ કરી. જોકે, લાશ અંદર મૂકવામાં સમસ્યા થતી હોવાથી રાહુલે પત્ની પ્રિયંકાના હાથ-પગ ભાંગી નાંખ્યા એ પછી જેમ-તેમ કરી લાશને બેગમાં ભરી ઈ-રિક્ષામાં બેસી ઈફ્કો ચોક લઈ ગયો હતો. ત્યાં લઘુશંકા કરવાના બહાને ઉભો રહી બેગ ત્યાં મૂકી રાહુલ ફરાર થઈ ગયો હતો.