પાલનપુરના સોપારીના વેપારીને લૂંટનારા છ આરોપીઓ ઝડપાયા
પાલનપુર: ડીસા– પાલનપુર હાઇવે પર આવેલા બાદરપુરા કુષ્કલ ગામ નજીક ગત સપ્તાહમાં પાલનપુરના સોપારીના વેપારીની કારને ટક્કર મારીને તેમની આંખમાં મરચું નાખીને રૂપિયા 6 લાખની બેગની લૂંટ ચલાવનારા આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. જેમની પાસેથી રૂ. 3 લાખ રોકડા અને ઈકો ગાડી કિંમત રૂપિયા 2 લાખ 50હજાર તેમજ મોબાઇલ મળીને કુલ રૂપિયા 5.72 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.ગણતરીના દિવસોમાં જ પોલીસે આ લૂંટનો ભેદ ઉકેલીને આરોપીઓને જેલ હવાલે કર્યા હતા.
પાલનપુરમાં રહેતા અને ડીસામાં સોપારીનો વ્યવસાય કરતા સુભાષભાઈ ખરેડનો દીકરો રિતિક સુભાષભાઈ ખરેડ ગત શુક્રવારે પોતાના વાહનમાં દુકાનનો રૂપિયા 6 લાખનો હિસાબ લઈને પાલનપુર જઈ રહ્યા હતા. ત્યારે બાદરપુરા કુષ્કલ ગામ પાસે તેમના સ્કોર્પિયો વાહનને પાછળથી આવેલી ઇકો ગાડીએ ટક્કર મારી આગળ ઉભી કરી દીધી હતી. દરમિયાન આ ઇકો માંથી ઉતરેેલા સખ્શોએ રિતિક ખરેડ ની આંખમાં મરચું નાખીને માથામાં લાકડી મારી ઇજા પહોંચાડી હતી. અને તેમની કારમાં પડેલા રૂપિયા 6 લાખની બેગ લઈ લૂંટારા નાસી છૂટ્યા હતા. આ અંગેનો ગુનો ગઢ પોલીસ મથકમાં નોંધાયો હતો. આ ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ એલસીબી પોલીસ સહિતની ટીમો બનાવીને લૂંટની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેન્સની મદદથી બાતમી મેળવી હતી. જેમાં પોલીસે ચંડીસર હાઈવે પાલનપુર બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે લૂંટવાળા ગુનામાં વપરાયેલી ઇકો ગાડી નંબર જીજે 04 સીએ 1741 આવતા તેને રોકી તપાસ કરતાં લૂંટના ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓને ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી રૂ. 3 લાખ રોકડા અને ગુનામાં વપરાયેલી ઈકો ગાડી કિંમત રૂપિયા 2.50 લાખ તેમજ મોબાઇલ મળીને કુલ રૂપિયા પાંચ લાખ 72 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ પોલીસે એક જ સપ્તાહમાં આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.
લૂંટની ઘટનામાં પેઢીના કર્મચારીઓ જ સામેલ ડીસામાં સુભાષભાઈ ખરેડની મહાવીર ટ્રેડર્સ નામની પેઢીમાં નોકરી કરતા કર્મચારી ડીસા તાલુકાના જોરાપુરા ગામના મનુભાઈ ધારજી પરમાર અને લાલજી ઉર્ફે દશરથજી વાઘેલા (ઠાકોર) એ લૂંટને અંજામ આપવા માટે પૈસાની લાલચમાં બહારથી માણસો બોલાવ્યા હતા. અને રોજે રોજ પેઢીના માલિકની અવર જવરના સમયની માહિતી આપી હતી. દરમિયાન રિતિક ખરેડ ને લૂંટવાનો પ્લાન બનાવીને જ્યારે તેઓ સ્કોર્પિયો ગાડીમાં પાલનપુર જઈ રહ્યા હતા. ત્યારે બાદરપુરા કુષ્કલ ગામ પાસે તેમના વાહનને ઈકો ગાડીથી ટક્કર મારીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો : આખરે VCE કર્મચારીઓની હડતાળ પૂર્ણ થઈ
લૂંટમાં ઝડપાયેલા આરોપીઓ
- સુરેન્દ્રસીંહ ઉર્ફે બીટુ તખતસિંહ શાંખલા(રાજપુત) રહેવાસી -ડીસા
- જબ્બરસિંહ સોનસિંહ વાધેલા, રહેવાસી -ભડથ
- પંકેશજી ચંદુજી ઠાકોર રહેવાસી આખોલ મોટી, તાલુકો ડીસા
- જેતુભા જેણુભા ડાભી(ભટેસરીયા), રહેવાસી શિહોરી, હેમાણીપાર્ટી, તાલુકો કાંકરેજ
- મનુભાઇ ધારજીજી પરમાર(ઠાકોર) રહેવાસી- જોરાપુરા, તાલુકો : ડીસા
- લાલજી ઉર્ફે પિન્ટુ દશરથજી વાધેલા (ઠાકોર), રહેવાસી- જોરાપુરા, તાલુકો :ડીસા