સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હીમાં ફટાકડા પરના સંપૂર્ણ પ્રતિબંધને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગને ફગાવી દીધી હતી. કોર્ટે આ સમય દરમિયાન કહ્યું કે ‘લોકોને સ્વચ્છ હવામાં શ્વાસ લેવા દો અને તેમના પૈસા મીઠાઈઓ પર ખર્ચવા દો’. આજની શરૂઆતમાં દિલ્હી હાઇકોર્ટે પણ દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) ના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે આ મુદ્દો હજુ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
ફટાકડા વિક્રેતાઓએ ફટાકડા પર પ્રતિબંધના મુદ્દે સુપ્રીમ કોર્ટ પાસે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. ફટાકડા વિક્રેતાઓ દલીલ કરી રહ્યા છે કે આ પ્રતિબંધથી ધંધાને નુકસાન થશે. જોકે, સુપ્રીમ કોર્ટે પ્રદૂષણને ટાંકીને તેમની દલીલને ફગાવી દીધી છે અને કહ્યું છે કે તેને તાત્કાલિક સુનાવણીની જરૂર નથી.
અગાઉ બે વેપારીઓએ હાઈકોર્ટમાં તેમની અરજીમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે DPCC દ્વારા 14 સપ્ટેમ્બરે લાદવામાં આવેલ “છેલ્લી ઘડીનો પ્રતિબંધ” મનસ્વી અને ગેરકાયદેસર છે અને તેમની આજીવિકા પર પ્રતિકૂળ અસર કરે છે. વેપારીઓનું કહેવું છે કે હાઈકોર્ટે ગ્રીન ફટાકડાના વેચાણને મંજૂરી આપવી જોઈએ.
એક દિવસ પહેલા દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે કહ્યું હતું કે રાજધાનીમાં ફટાકડાનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ એ સજાપાત્ર ગુનો છે. તેમણે કહ્યું કે નિયમોનું ઉલ્લંઘન કરવા પર 5000 હજાર રૂપિયાનો દંડ અને 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
દિલ્હીમાં ફટાકડા ખરીદવા અને ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ છે. જો તેનું ઉલ્લંઘન કરતા પકડાય તો 200 રૂપિયાનો દંડ અને 6 મહિનાની જેલની જોગવાઈ કરવામાં આવી છે. દિલ્હીમાં ઠંડીની શરૂઆત થતાની સાથે જ હવાની ગુણવત્તા ખરાબ થતા દિલ્હી સરકારે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે.
આ પણ વાંચો : ગાઝિયાબાદમાં નિર્ભયાકાંડ, અપહરણ કરી 2 દિવસ સુધી 5 આરોપીએ કર્યું શોષણ