દિવાળી વચ્ચે સામાન્ય જનતા માટે ઉત્સવ વચ્ચે મોંઘાવારીમાં કોઈ પણ રાહત મળી રહી નથી. દેશના વિવિધ ભાગોમાં વરસાદ અને ગરમીના કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય વ્યક્તિના રોજબરોજના ઉપયોગમાં આવતા ડુંગળી બટાકાના ભાવમાં 15 થી 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
આ વચ્ચે છૂટક બજારમાં મોટાભાગના શાકભાજીમાં 80 થી લઈને 120 રૂપિયા કિલોના ભાવ જોવા મળ્યા છે. ટિંડોળા ગવાર જેવા સિઝનલ શાકભાજીમાં 30 ટકા સુધીનો વધારો છેલ્લા 15 દિવસમાં જોવામાં આવ્યો છે. જેના પરિણામે તહેવાર વચ્ચે ગરીબ અને મધ્યમવર્ગની સ્થિતિ મુશ્કેલ બની રહી છે.
આ પણ વાંચો : તેલ બાદ અનાજ-શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો, સામાન્ય જનતાની હાલત કફોડી
શું છે વેપારીઓનો મત ?
સ્થાનિક જથ્થાબંધ વેપારીઓના અનુસાર, વરસાદ અને કેટલાંક વિસ્તારોમાં હજી પણ ગરમીની સ્થિતિ હોવાના કારણે શાકભાજીના પાકને નુકસાન જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્ર અને દ.ભારતમાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે તેના કારણે શાકભાજીની આવક ઘટી છે. જેની અસર ભાવ વધારા પર જોવા મળી છે. તેમજ ડીઝલના ભાવ પણ સ્થિર થયા છે તો તેનાથી પણ ભાડા વધ્યા છે અને ભાવ વધારાનું કારણ ગણી શકાય છે.
ક્યારે મળશે રાહત ?
સામાન્ય જનતા માટે હજી પણ થોડા દિવસો કપરા બની શકે છે. કેમકે સ્થિતિ સામાન્ય થવામાં 15 દિવસ જેટલો સમય લાગી શકે છે. હાલ શાકભાજીની તંગી વચ્ચે ભાવ વધારો થઈ રહ્યો છે જેને લઈને જ્યાં સુધી પૂરતો જથ્થો ન મળે ત્યાં સુધી લોકોને મુશ્કેલ બની રહે તે વાત ચોક્કસ છે.