ઘઉંની વધતી કિંમત વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. શનિવારે સરકારે ઘઉંની નિકાસ પર તાત્કાલિક પ્રભાવ પ્રતિબંધ લગાવી દીધો છે. સ્થાનિક બજારમાં ઘઉંની કિંમતમાં તોતિંગ વધારો થતાં સરકારે આ નિર્ણય લીધો છે. જો કે, ઘઉંની નિકાસ અમુક શરતો સાથે ચાલુ રહેશે. સરકારનો આ નિર્ણય પહેલાથી લાગૂ નિયમો પર અસર નહીં કરે. સરકાર તરફથી તેના માટે નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં કહેવાયુ છે કે, ભારત, પાડોશી દેશો અને અન્ય નબળા દેશોની ખાદ્ય સુરક્ષા ખતરામાં છે.
ભારત સરકાર પાડોશી અને અન્ય નબળા વિકાસશીલ દેશોની ખાદ્ય સુરક્ષાની જરૂરિયાતો પુરા કરવા કટિબદ્ધ
સરકારે કહ્યું કે, આ પગલું દેશની સમગ્ર ખાદ્ય સુરક્ષા સિસ્ટમ તથા પાડોશી અને અન્ય નબળા દેશોને જરુરી સમર્થન કરવા માટે કરવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ભારત સરકાર પાડોશી અને અન્ય નબળા વિકાસશીલ દેશોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતો પુરા કરવા માટે કટિબદ્ધ છે, જે ઘઉંની વૈશ્વિક બજારમાં અચાનક પ્રેશરથી પ્રભાવી રીતે અને ઘઉંની સપ્લાઈ સુધી પહોંચવામાં અસમર્થ છે.
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ઘઉંના ભાવમાં ઉછાળો
સરકારે કહ્યું કે, ઘઉંની વૈશ્વિક કિંમતમાં અચાનક વધારો થયો છે. જેના પરિણામ સ્વરૂપ ભારત, પાડોશી દેશ અને અન્ય નબળા દેશોની ખાદ્ય સુરક્ષા ખતરામાં છે. રશિયા અને યુક્રેન યુદ્ધની વચ્ચે ઘઉંની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતમાં લગભગ 40 ટકાનો ઉછાળો આવ્યો છે. તેમાં ભારતથી નિકાસ વધી ગઈ છે. માગ વધવાની સાથે સાથે સ્થાનિક સ્તર પર ઘઉં અને લોટની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો છે.
આ વર્ષે ઘઉંની સરકારી ખરીદી ઘટી
ઘઉંની ખરીદી માટે એમએસપી 2015 રૂપિયા પ્રતિ ક્વિંટલ છે. દેશમાં ઘઉં અને લોટની છુટક મોંઘવારી એપ્રિલમાં વધીને 9.59 ટકા પહોંચી ગઈ છે. જે માર્ચમાં 7.77 ટકા હતી. આ વર્ષે ઘઉંની સરકારી ખરીદીમાં લગભગ 55 ટકાનો ઘટાડો આવ્યો છે, કારણ કે ખુલ્લા બજારમાં ઘઉંની કિંમત એમએસપી કરતા ક્યાંય વધારે મળી રહી છે.