T20 વર્લ્ડ કપનાં ત્રીજા દિવસે નોંધાયી પહેલી હેટ્રિક: શ્રીલંકાએ UAE ને 79 રને હરાવ્યું ,જ્યારે નેધરલેન્ડની સતત બીજી જીત
T20 વર્લ્ડ કપનો આજે ત્રીજો દિવસ પણ શાનદાર રહ્યો હતો. આજે ખાસ વાત એ બની હતી કે શ્રીલંકા અને UAE ની મેચ દરમિયાન T20 વર્લ્ડ કપની પહેલી હેટ્રિક નોંધાયી હતી. આજે ક્વોલિફાયર રાઉન્ડમાં પ્રથમ મેચ હારી ગયેલી શ્રીલંકાની ટીમે જોરદાર વાપસી કરી હતી. આજે શ્રીલંકાએ UAE ને 79 રને હરાવ્યું છે.
આ પણ વાંચો : T20 વર્લ્ડ કપનો બીજો દિવસ : સ્કોટલેન્ડએ વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું, જ્યારે ઝિમ્બાબ્વેએ આયર્લેન્ડને 31 રને હરાવ્યું
શ્રીલંકાએ UAE ને 79 રને હરાવ્યું
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા, જેમાં પથુમ નિશંકાએ સૌથી વધુ 74 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ ધનંજય ડી સિલ્વાએ પણ 33 રન બનાવ્યા હતા. તેનાં જવાબમાં UAEની ટીમ 17.1 ઓવરમાં 73 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી દુષ્મંથા અને હસરંગાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
મયપ્પને લીધી આ વર્લ્ડ કપની પ્રથમ હેટ્રિક
આજે શ્રીલંકાની ઇનિંગ દરમિયાન UAEના ભારતીય મૂળના સ્પિનર કાર્તિક મયપ્પને હેટ્રિક લીધી હતી. તેણે શ્રીલંકાની 15મી ઓવરના ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલમાં અનુક્રમે ભાનુકા રાજપક્ષે, ચરિથ અસલંકા અને દાસુન શનાકાની વિકેટ લીધી હતી. કાર્તિક મયપ્પને લીધેલી આ હેટ્રિક આ વર્લ્ડ કપની પહેલી હેટ્રિક છે અને અત્યારસુધીની ઓવરઓલ T20 વર્લ્ડ કપમાં આ પાંચમી હેટ્રિક છે.
નેધરલેન્ડની સતત બીજી જીત : નામિબિયા છેલ્લી ઓવરમાં હારી ગયું
T20 વર્લ્ડ કપની 5મી મેચ નામીબિયા અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમાં નેધરલેન્ડની ટીમે નામીબિયાને 5 વિકેટે હરાવ્યું. T20 વર્લ્ડ કપમાં નેધરલેન્ડની આ સતત બીજી જીત છે. નેધરલેન્ડ T20 વર્લ્ડ કપનાં સુપર-12 તરફ આગળ વધી રહ્યું છે. આ પહેલાં તેણે UAE સામે પણ જીત મેળવી હતી. મેચમાં પહેલા રમતા નામીબિયાએ 6 વિકેટના નુકસાને 121 રન બનાવ્યા હતા, જેમાં ફાસ્ટ બોલર બાસ ડી લીડે 3 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી, જેનાં જવાબમાં નેધરલેન્ડે 19.3 ઓવરમાં 5 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. મૂળ પંજાબમાં જન્મેલા વિક્રમજીત સિંહે નેધરલેન્ડની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 31 બોલમાં 39 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેણે મેક્સ ઓડઆઉટ સાથે પ્રથમ વિકેટ માટે અડધી સદીની ભાગીદારી પણ કરી હતી.