બનાસકાંઠા : શ્રી રાજપુત કેળવણી સહાયક મંડળને GNM અને BSC નર્સિંગ કોલેજની મંજૂરી
- બંને ફેકલ્ટીની 60-60 બેઠકોની મંજૂરી
- રાજ્ય સરકારનો આભાર માનતા મંડળના પ્રમુખ મદારસિંહ હડીયોલ
પાલનપુર : છેલ્લા 50 વર્ષથી ઉત્તર ગુજરાતના પાલનપુર,વડગામ અને દાંતા તાલુકામાં શિક્ષણની જ્યોત જગાવી રહેલા બાવન વાંટા રાજપુત સમાજ પ્રેરિત શ્રી રાજપુત કેળવણી સહાયક મંડળને વડગામ-ખેરાલુ હાઇવે પર લિંબોઈ ગામ પાસે આવેલી કોલેજમાં GNM અને BSC નર્સિંગ કોલેજની મંજૂરી મળતાં આ વિસ્તારના મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં હરખની હેલી સર્જાઈ છે.
રાજપુત કેળવણી મંડળના પ્રમુખ મદારસિંહ હડીયોલના જણાવ્યાનુંસાર પાલનપુર, વડગામ,દાંતા અને ખેરાલુ તાલુકાના યુવાનો પ્રોફેશનલ કોર્સિસ દ્વારા પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે તે માટે મંડળે વડગામ- ખેરાલુ હાઇવે પર લિંબોઈ ગામ પાસે 10 વીઘા જમીન રાખીને તેમાં 50 હજાર ચોરસફુટ જેટલું બાંધકામ કરીને કોલેજ માટેનું અધતન ભવન તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ષે અહીં GNM અને BSC નર્સિંગ કોલેજની માંગણી કરતા રાજ્ય સરકારે સકારાત્મક અભિગમ અપનાવીને બંને ફેકલ્ટીની 60-60 બેઠકોની મંજૂરી આપતાં હવે મેડીકલ ક્ષેત્રે પણ આ વિસ્તારના યુવાનો પોતાની કારકિર્દી બનાવીને આત્મનિર્ભર બનશે.
તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર.પાટીલ, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્યમંત્રી શ્રીમતી નીમીશાબેન સુથાર, શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલા, રાજ્યના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમાર, જી.આઇ.ડી.સી.ના પૂર્વ ચેરમેન બળવંતસિંહ રાજપુત, જિલ્લા ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, તાલુકા ભાજપના પ્રમુખ પી.જે રાણા અને વડગામના પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલા નો આભાર માનતા જણાવ્યું છે કે ગતરોજ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ સાથે સમાજના આગેવાનોએ બેઠક યોજીને રજૂઆત કરતા મંત્રીએ નર્સિંગ કોલેજની મંજૂરીનો પત્ર આપતા બાવન વાંટા રાજપૂત સમાજમાં હર્ષની લાગણી છવાઈ છે.
આ પણ વાંચો : શી જિનપિંગની સરમુખત્યાર સરકાર! ચીનમાં 15 લાખ લોકોની ધરપકડ, રાજ્યાભિષેક પહેલા બેઇજિંગ છાવણી બની ગયું
અત્રે ઉલ્લેખનીય છે કે મંડળે નવીન નર્સિંગ કોલેજની સ્થાપના માટે સમાજમાં દાન માટે ટહેલ નાખતાં તેનો ખૂબ જ ઉમળકાભેર પ્રતિસાદ મળતાં રૂપિયા બે કરોડ જેટલું માતબર દાન સમાજના દાતાઓ તરફથી મળ્યું છે. એટલું જ નહીં અન્ય સમાજોએ પણ આ યજ્ઞીય કાર્યમાં દાનરૂપે તેમનો સહયોગ આપ્યો છે. સાથે સાથે 108 પથારી ધરાવતી ઉત્તરગુજરાતની ખ્યાતનામ અમૃતમ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ,પાલનપુર સાથે એમ.ઓ.યુ. પણ કર્યા છે.
શ્રી રાજપુત કેળવણી સહાયક મંડળ દ્વારા પાલનપુર ખાતે બાળમંદિર થી લઈ ધોરણ 11- 12 સામાન્યપ્રવાહ અને સાયન્સ પ્રવાહ, વડગામ ખાતે ધોરણ- 12 સુધીની કન્યા વિદ્યાલય, મોટાસડા ખાતે ધોરણ 12 સુધીની હાઈસ્કૂલ, મેજરપુરા ખાતે 20 વીઘા જમીનમાં ઉત્તર બુનીયાદી હાઇસ્કુલ તેમજ લિંબોઇ ખાતે આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ચાલે છે. અને હવે અહીં GNM અને BSC નર્સિંગ કોલેજની શરૂઆત થઈ રહી છે. જેના કારણે આ વિસ્તારના તમામ સમાજોના યુવાનોને શૈક્ષણિક સગવડો ઉપલબ્ધ થશે.
ટૂંક જ સમયમાં GNM અને નર્સિંગ કોલેજની એડમીશન પ્રક્રિયા શરૂ થનાર છે. તો ઇચ્છુક વિદ્યાર્થી ભાઇ-બહેનોએ કોલેજનો સંપર્ક કરીને પ્રવેશ મેળવી શકશે.
આ પણ વાંચો : સુરતમાં ભાજપના લોકપ્રતિનિધિએ અધિકારીઓ સાથે કરી દાદાગીરી, વિડીયો વાયરલ