નોયડાઃ ઉત્તરપ્રદેશમાં ડોગ બાઈટના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યાં. મોટા ભાગના કેસ હાઈરાઈઝ સોસાયટીમાંથી જ સામે આવે છે ત્યારે આ ક્રમમાં ફરી એક વખત નોયડાના સેક્ટર 100માં આવેલી લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં રખડતાં કૂતરા દ્વારા 7 મહિનાના બાળક પર હુમલો કર્યો હતો. કૂતરાએ બાળકને એટલી ખરાબ રીતે બટકું ભર્યું, કે માસૂમના આંતરડા જ બહાર આવી ગયા. આ ઘટના પછી ઘાયલ બાળકને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે બાદ ગુસ્સે થયેલાં સોસાયટીના લોકોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાને લઈને સેક્ટર-39 પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
કૂતરાએ બચકું ભરતાં બાળકના પેટ પર લગભગ 25 હોલ થઈ ગયા
ઉલ્લેખનીય છે કે, કૂતરા દ્વારા કરવામાં આવેલાં હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું. બાળકના પેટ પર કૂતરાએ બચકું ભરતાં આંતરડાં પણ બહાર આવી ગયા હતાં. આ પછી બાળકને સેક્ટર 110 સ્થિત એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં મોડી રાત સુધી બાળકનું ઓપરેશન ચાલ્યું હતું. આ દરમિયાન બાળકની તબિયત એકદમ નાજુક હતી. કૂતરાએ બચકું ભરતાં બાળકના પેટ પર લગભગ 25 હોલ થઈ ગયા હતાં.
શું છે સમગ્ર ઘટના
મૂળરૂપે મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના રહેવાસી રાજેશ અને તેમની પત્ની મજૂરી કામ કરે છે. નોયડામાં ભાડાના મકાનમાં રહે છે. ત્યારે પતિ-પત્નીને સેક્ટર-100માં લોટર બુલેવર્ડ સોસાયટીમાં રિપેરિંગનું કામ મળ્યું હતું. ત્યારે સપના દેવી તેમના 7 મહિનાના બાળક અરવિંદને લઈને અહીં આવ્યા હતાં. આ દરમિયાન સાંજે લગભગ સાડા ચાર વાગ્યે રખડતાં કૂતરાએ તે બાળક પર હુમલો કર્યો હતો. આ જોઈ ત્યાંના લોકોએ કૂતરાને ભગાડ્યો અને બાળકને ખાનગી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. ત્યાં ડૉક્ટરોએ તાત્કાલિક તેની સારવાર શરૂ કરી દીધી હતી. મળતી માહિતી, હુમલો કરનારા કૂતરાની સંખ્યા સાત હતી.
ગુસ્સે થયેલાં લોકોએ સોસાયટીમાં પ્રદર્શન કર્યું હતું
સેક્ટર 100 સ્થિત લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં લોકોએ બાળકના મોત પછી અન્ય બાળકોની સુરક્ષાની અને કૂતરાનો સોસાયટીની આસપાસથી હટાવવાની માગ કરી હતી. આ સાથે જ ઘટના પછી રખડતાં કૂતરા અને પાળતુ કૂતરા માટે નિયમ બનાવવાની માગ વધી છે. એટલું જ નહીં લોકોએ કૂતરાને શેલ્ટર હોમમાં નહીં મોકલીને બેદરકારી દાખવવાનો પણ આરોપ લગાવ્યો છે.
સોસાયટીની અંદર રખડતાં કૂતરાને કેટલાંક લોકો ખવડાવે-પીવડાવે છે
સોસાયટીના લોકોએ જણાવ્યું કે અહીં વારંવાર આ પ્રકારની ઘટના ઘટે છે. ડોગ લવર રખડતાં કૂતરાઓને સોસાયટીની અંદર જ ફીડ કરાવે છે. તેથી સોસાયટીમાં રખડતાં કૂતરાઓની સંખ્યા ઘણી જ વધારે છે. નોયડા ઓથોરિટીને આ અંગે અનેક વખત ફરિયાદ પણ કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી.