તમારા પરિવારને પાણીજન્ય રોગોથી બચાવવા વાપરો સૂંઠ
પીવાના પાણીમાં ભેળસેળ, પાણીમાં પનપતા જીવાણુઓ અને ભેજને કારણે બેક્ટેરિયા અને ફૂગને મોકળું મેદાન મળતું હોવાથી આ સીઝનમાં વિષાણુજ્વર, કફજન્ય માથાનો દુખાવો-શરદી, મરડો, તાવ અને ડિસેન્ટ્રી જેવી સમસ્યા ખૂબ રહે છે. આવા સમયે તમારા ઘરમાં જ એક ઔષધ છે જે આ તમામ ચીજોથી બચાવી શકે છે, એ છે સૂંઠ. અત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે અને મોડર્ન ભાષામાં કહીએ તો ઍન્ટિ-વાઇરલ, ઍન્ટિ-બેક્ટેરિયલ, ઍન્ટિ-ફંગલ અને ઍન્ટિ-ઇન્ફ્લમેટરી ગુણ ધરાવતું ઔષધ જોઈએ. આ બધું જ સૂંઠમાં છે. સૂંઠ વાતનાશક તેમ જ કફનાશક તરીકે ખૂબ ઉપયોગી ગણાય છે. સૂંઠ ગ્રાહી હોવાથી સોજા, ઝાડા અને પાણીની ખરાબીને કારણે પેદા થતા રોગોમાં ખૂબ સારું કામ આપે છે. ચોમાસામાં પાણીને કારણે ફેલાતાં ઇન્ફેક્શન્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. ડિસેન્ટરી કે ફૂડ-પોઇઝનિંગને કારણે પાણી જેવા પાતળા જુલાબ થતા હોય ત્યારે સૂંઠ ઉત્તમ છે. આમેય અત્યારે આદુંને બદલે સૂંઠ વાપરવાની આદત રહી છે, જે આ સીઝનમાં ઉત્તમ છે. ઘણા લોકોને ભારોભાર આદું નાખીને ચા પીવાની આદત હોય છે. જ્યાં સુધી આદું બરાબર પાણીમાં ઊકળી જતું હોય ત્યાં સુધી વાંધો નહીં, પરંતુ બને ત્યાં સુધી એમાં પણ સૂંઠનો વપરાશ ઉત્તમ રહેશે.
પાણીજન્ય રોગો માટે બેસ્ટ : આ સીઝનમાં પાણીની શુદ્ધતા અનિવાર્ય છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ઉકાળેલું પાણી પીવાનું કહેવામાં આવ્યું છે. એનાથી પાણીની અશુદ્ધિઓ દૂર થઈ જાય છે. પાણી ઉકાળતી વખતે ચપટીક સૂંઠનો પાઉડર નાખવામાં આવે તો એની ગુણવત્તા વધી જાય છે. તમે સૂંઠનો ગાંગડો પણ નાખી શકો. બે દિવસ એક જ ગાંગડો વાપર્યા પછી એને બરાબર તડકામાં સૂકવવો જરૂરી છે. સૂંઠનું ચૂર્ણ નાખવાથી પાણીનો સ્વાદ થોડો બદલાઈ જશે, પણ એનાથી તાવ, શરદી, ખાંસી, કફ, માથાના દુખાવા જેવી તકલીફો સામે રક્ષણ મળશે. પાચનશક્તિ નબળી પડેલી હોય છે, પણ જો આ પાણી પીવામાં આવે તો પાચન સુધરે છે અને સમયસર ભૂખ લાગે છે. આ પાણી ઘરમાં કોઈને તાવ આવ્યો હોય તો એમાં પણ આપી શકાય. આ પાણીથી પરસેવો વળીને તાવ ઊતરે છે.
ગોળ અને સૂંઠની લાડુડી : સૂંઠનો બીજો એક પ્રચલિત અને નિર્દોષ પ્રયોગ છે એની લાડુડીનો. જેમને સહેજ પલળવાથી બહુ સરળતાથી ઠંડી ચડી જતી હોય, કફનો કોઠો હોય, પાચન બરાબર થતું ન હોય, અજીર્ણને કારણે ભૂખ ન લાગતી હોય તો સૂંઠની લાડુડી લઈ શકાય. લાડુડી માટેનો ગોળ રસાયણમુક્ત હોય એ જરૂરી છે. ઑર્ગેનિક ગોળ ઢીલો હોય છે એટલે એમાં સૂંઠનું ચૂર્ણ બરાબર મસળવાથી મિક્સ થઈ જાય છે. સૂંઠ અને ગોળ સરખે ભાગે લઈને મિક્સ કરી એની કાબુલી ચણાથી સહેજ મોટી સાઇઝની ગોળી બનાવવી. જો તમને વાયુની તકલીફ પણ રહેતી હોય તો એમાં થોડું ગાયનું ઘી ઉમેરી શકાય. હા, ઘી વધુ માત્રામાં લેવું નહીં, કેમ કે એ પચવામાં અઘરું પડી શકે છે. આ લાડુડી રોજ સવારે નાસ્તા પહેલાં નરણા કોઠે ચાવીને ખાવી. કોઈને પાતળા પાણી જેવા ઝાડા થયા હોય ત્યારે ગોળ-સૂંઠની લાડુડી આપવાથી ચમત્કારિક રીતે પાણીવાળા જુલાબ અટકી જશે. સૂંઠ ગ્રાહી છે એટલે પાણી શોષી લે છે. ક્રોનિક શરદી, કફ, માથાનો દુખાવો વગેરે રહેતો હોય તો પણ એનાથી ફાયદો થશે.
આદુંને બદલે સૂંઠ કેમ?
આયુર્વેદમાં હંમેશાં તાજી ચીજમાં વધુ ગુણ હોવાનું કહેવાયું છે. હળદર પણ લીલી હોય તો વધુ ગુણકારી. લીલી ચીજ સુકાઈ જાય એટલે એમાંથી ગુણ ઘટી જાય એવું મનાય છે, પણ સૂંઠની બાબતમાં એવું નથી. સૂંઠ આદુંમાંથી જ બને છે. આદુંમાંથી મોઇશ્ચર દૂર થઈ જાય એટલે આદુંની ગરમ તાસીર ઘટે છે. ચોમાસામાં જે આદું ઊગે છે એની ક્વોલિટી સારી નથી હોતી. આદું સુકાઈને સૂંઠ બની જાય એટલે એમાં ગ્રાહી ગુણ વધે છે.
શું ધ્યાન રાખવું?
ચા, ઉકાળો, સૂપ કે અન્ય કોઈ પણ ચીજમાં જ્યાં-જ્યાં આદુંનો વપરાશ કરવાનો હોય ત્યાં સૂંઠના ચૂર્ણનો ઉપયોગ કરી શકાય. સૂંઠ સારી છે, પણ જેમને હાઇપરટેન્શનની તકલીફ હોય તેમણે એનો ઉપયોગ ન કરવો. પ્રેગ્નન્સીમાં પણ નિષ્ણાંતની નિગરાનીમાં જ સૂંઠનો ઉપયોગ કરવો. વટાણાના દાણા જેટલી ગોળ-સૂંઠની લાડુડી રોજ નરણા કોઠે લેવાથી વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતા સુધરે છે‘
‘સૂંઠની ગાંગડીને પાણીમાં ઘસીને એનો લેપ માથે કરવાથી કફજન્ય માથાના દુખાવામાં તરત રાહત મળે છે. શરૂઆતમાં થોડુંક બળે અને ત્વચા ખેંચાય તો ચિંતા કરવી નહીં.‘