ચંડીસરમાં ગૌચર જમીનમાં ફાળવેલ પ્લોટ રદ કરવા લોકો ઢોલ વગાડતા પહોંચ્યા કલેક્ટર કચેરી
- પરિણામ નહીં મળે તો લોકોએ આપી ઉગ્ર આંદોલનની ચીમકી
- ગ્રામસભામાં તંત્રની બેવડી નીતિ વિરુદ્ધ લોકોએ રોષ વ્યક્ત કર્યો
પાલનપુર : પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં જિલ્લા કલેકટર કચેરી દ્વારા ગૌચરની જમીનના અધિગ્રહણની થઈ રહેલી કાર્યવાહીનો સમગ્ર ગામના લોકોએ વિરોધ કર્યો હતો. અને સોમવારે લોકો આ કાર્યવાહીના વિરોધમાં ઢોલ વગાડતા પાલનપુર કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કાર્યવાહી અટકાવવા માટે જણાવ્યું હતું.
ચંડીસર ગામમાં વિચરતી જાતિ માટે નવીન ગામતળ સર્વે નંબર 985 વાળી જમીન નીમ કરવાને લઈને ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે. જેમાં ગામ સિવાયના લોકોને જમીનના પ્લોટની ફાળવણી કરવાની તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેનો ગ્રામજનો વિરોધ દર્શાવી રહ્યા છે.
ચંડીસર ગામના મૂળ વતની એવા અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, બક્ષીપંચ જાતિ, ઓબીસી તથા ઇબીસી જાતિના ઘણા કુટુંબો હાલમાં મકાન વિહોણા છે. જેમના માટે પ્લોટ ફાળવવા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગામમાં ગામતળ ન હોવાથી આ અંગેની કાર્યવાહી થતી ન હતી.
ત્યારે તંત્ર દ્વારા હવે બહારના લોકોને વસાવવા માટે ગૌચરના સર્વે નંબર 985 ની જમીનમાં સરકારના ઉપર વટ જઈને તંત્ર દ્વારા પ્લોટ ફાળવી આપવામાં આવ્યા છે. જેને લઈને સોમવારે ચંડીસરમાં યોજાયેલી ગ્રામસભામાં લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. અને જિલ્લા કલેકટર કચેરીએ ઢોલ વગાડતા પાલનપુર ખાતે પહોંચ્યા હતા.
જ્યાં ગૌચરના જમીન અધિગ્રહણની કાર્યવાહી અટકાવવાની માગણી કરવામાં આવી હતી. ચંડીસર ગામના લોકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, ગાંધી ચીંધ્યા માર્ગે, કાનૂની રાહે, ધરણા ના સ્વરૂપે અને જો ધરણાં કર્યા બાદ પણ પરિણામ નહીં મળે તો રસ્તા લોકો આંદોલન તેમજ ચૂંટણીનો બહિષ્કાર અને છેલ્લે આમરણાંત ઉપવાસ કરવાની પણ જરૂર પડશે છે તો અમે કરીશું. આ અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ગ્રામજનોએ માગણી કરી છે.