આજે દેશભરમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાઈ હતી. સવારે 10 કલાકે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. આ મતદાનને લઈ કોંગ્રેસના નેતાઓમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ગુજરાતમાં પણ નેતાઓ દ્વારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મતદાન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ગુજરાતમાં સવારે 10 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી 358 ડેલિગેટ્સ અને અન્ય 6 બહારના રાજ્યના પ્રતિનિધિઓએ મતદાન કર્યુ હતુ. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, AICC-PCC ડેલિગેટ્સે મતદાન કર્યું હતું. આ ઉપરાંત વર્તમાન ધારાસભ્યો સહિત પ્રદેશના નેતાઓ, કોંગેસના સિનિયર નેતાઓએ પણ મતદાન કર્યું હતું. આ અંગે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટેના મતદાન બાદ ચૂંટણી PRO શોભા ઓઝાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી શાંતિ રીતે પ્રજાતાંત્રિક રીતે પૂર્ણ થઇ ગઈ છે. ગુજરાતમાં 408 ડેલિગેટ્સને વોટ આપવાનો હતો. તેમાંથી 358 ડેલિગેટ્સે મતદાન કર્યું છે. આ ઉપરાંત રાજ્ય બહારના 6 ડેલિગેટસે પણ અહીં મતદાન કર્યું છે. આમ ગુજરાતમાં 5 ડેલિગેટ્સ બહારના રાજ્યમાં હોવાથી ત્યાં મતદાન કર્યું છે. ગુજરાત કોંગ્રેસના 45 ડેલિગેટ્સે મતદાન કર્યું નથી.
24 વર્ષ બાદ અધ્યક્ષ પદ માટે ચૂંટણી કરાઈ
ઉલ્લેખનીય છે કે, આજે યોજાયેલી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી 24 વર્ષ બાદ કરવામાં આવી છે. અત્યારસુધી માટે અધ્યક્ષપદની જાહેરાત કરવામાં આવતી હતી. જેમાં સ્વતંત્રતાના 75 વર્ષમાં 40 વર્ષ જેટલો સમય કોંગ્રેસનું અધ્યક્ષપદ ગાંધી-નેહરુ પરિવારના પાંચ સભ્યોના હાથમાં રહ્યું હતું. બાકીના 35 વર્ષ ગાંધી પરિવાર સિવાયના લોકો અધ્યક્ષ રહ્યા હતા. ગાંધી પરિવારના પાંચ સભ્યોમાં સોનિયા ગાંધી સૌથી લાંબો સમય પક્ષના પ્રમુખપદે રહ્યાં હતાં. આ વખતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરે દાવેદારી નોંધાવી છે. 24 વર્ષ પછી કોંગ્રેસ પાર્ટીમાં અધ્યક્ષ પદ માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. છેલ્લે 1998માં સોનિયા ગાંધી અને જિતેન્દ્ર પ્રસાદ માટે મતદાન કરવામાં આવ્યુ હતુ.