રક્ષાપ્રધાન રાજનાથસિંહ ગુજરાતના મહેમાન બન્યા. આ દરમિયાન તેમણે નામ લીધા વિના કૉંગ્રેસ પર નિશાન સાધ્યું અને દુશ્મન દેશોને પણ ચેતવણી આપી. ગાંધીનગરમાં રક્ષાશક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજનાથસિંહે કહ્યું કે- આપણું સ્વપ્ન છે કે ભારતને મહાશક્તિના રૂપમાં દુનિયા સામે લાવીએ. સાથે સાથે ભારતને જ્ઞાનવાન બનાવવા માગીએ છે. દુનિયાના મોટા-મોટા મંચો પર આજે ભારતની વાતો ધ્યાનથી સાંભળવામાં આવે છે. પીએમ મોદીએ સરાહનીય કામ કર્યું છે.. તેમણે નામ લીધા વિના કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે- આંતર રાષ્ટ્રીય મંચ પર ભારતની છબી સુધરી છે.. પહેલા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત કંઈ બોલતું હતું તો કોઈ ગંભીરતાપૂર્વક નહોતું સાંભળતું. પરંતુ આજે ભારત આંતરરાષ્ટ્રીય મંચો પર કંઈ બોલે છે તો લોકો કાન ખોલીને સાંભળે છે કે ભારત શું બોલી રહ્યું છે.
રાજનાથસિંહે આતંકવાદ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે- આતંકવાદ જેવા મુદ્દા પર ભારતે આગેવાની કરી છે. તેનો શ્રેય પીએમ મોદીને જાય છે.. તેમણે નામ લીધા વિના પાકિસ્તાન પર નિશાન સાધ્યું.. તેમણે કહ્યું કે આતંકવાદને પોતાનું સાધન માનવાવાળા દેશોને આજે એ સારી રીતે ખબર પડી ગઈ છે કે ભારત એક એવો દેશ છે જે કારણવગર છંછેડતો નથી અને જો કોઈ ભારતને છંછેડે તો ભારત તેને છોડતું નથી.
મહત્વનું છે રાજનાથસિંહના ગુજરાત મુલાકાત દરમિયાન અલગલ-અલગ કાર્યક્રમ છે. તેઓ વડાપ્રધાનના 20 વર્ષના કામ પર લખાયેલા પુસ્તકનું વિમોચન પણ કર્યું. વર્ષ 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના પ્રધાન સેવક તરીકે સતત 20 વર્ષ પૂરા કર્યા છે. ત્યારે મોદી@20 પુસ્તક 20 વર્ષના સુશાસનની પ્રતીતિ કરાવતું રસપ્રદ પુસ્તક છે, જેમાં તેમના સેવેલા સપનાઓની ‘સ્વપ્નથી સિદ્ધિ’ સુધીના પ્રયાણની સફર આદર્શ રીતે વર્ણવવામાં આવી છે. પુસ્તકની પ્રસ્તાવના ભારત રત્ન સ્વ. લતા મંગેશકરે લખી છે. પુસ્તકમાં ગુજરાત અને ભારતને “કલ્યાણ રાજ્ય” બનાવવાની દિશામાં વડાપ્રધાને જે કાર્ય આદર્યું છે તેનું તાર્કિક વિગતો સાથે રસપ્રદ વર્ણન કર્યુ છે.
આ પુસ્તક એવા સ્વપ્નદ્રષ્ટા માનવ વિશે છે જેમણે દીર્ઘદ્રષ્ટિ અને લાંબાગાળાના આયોજનને દરેક આફતને અવસરમાં બદલીને ભારત અને વિશ્વને નવી રાહ ચીંધી છે. ત્યારે આ પુસ્તકને રક્ષાપ્રધાન રાજનાથસિંહે જનસમર્પિત કરવાના છે.