મણિરત્નમની ફિલ્મ PS-1નું કલેક્શન 450 કરોડને પાર : તમિલનાડુ જ નહીં USA માં પણ ટોપ પર
મણિરત્નમની ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન-1’ બોક્સ ઓફિસ પર દબદબો જમાવી રહી છે. 30 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મ 15 દિવસ બાદ પણ ભારતમાં જ નહીં વિદેશમાં પણ જોરદાર રીતે કમાણી કરી રહી છે. એક તરફ ‘પોન્નિયિન સેલ્વન-1’એ તમિલનાડુમાં બોક્સ ઓફિસ કલેક્શનનો રેકોર્ડ બનાવ્યો છે અને બીજી તરફ યુએસએમાં પણ તેની કમાણી રેકોર્ડ બ્રેકિંગ સ્પીડ પર ચાલી રહી છે.
આ પણ વાંચો : KGF 2, RRR અને પુષ્પા બાદ હવે સાઉથની આ ફિલ્મ મચાવી રહી છે ધુમ : કલેક્શન 100 કરોડને પાર
‘પોન્નિયિન સેલ્વન-1’માં મણિરત્નમે ભારતના ગૌરવશાળી સામ્રાજ્યમાંથી એક ચોલ સામ્રાજ્યના ઇતિહાસ સાથે જોડાયેલી વાર્તા બતાવી છે. આ ફિલ્મ બનાવવામાં તેને બે દાયકાથી વધુ સમય લાગ્યો હતો. ફિલ્મમાં ચિયાન વિક્રમ, ઐશ્વર્યા રાય બચ્ચન, કાર્તિ, ત્રિશા અને જયમ રવિ જેવા મોટા નામો મહત્વની ભૂમિકામાં છે. ‘પોન્નિયિન સેલ્વન-1’ના કલેક્શનને જોતા લાગી રહ્યું છે કે તે આ વર્ષની તમામ ફિલ્મો કરતાં વધુ કમાણી કરનારી ફિલ્મ બની જશે.
450 કરોડનો આંકડો પાર
‘પોન્નિયિન સેલ્વન-1’એ માત્ર 17 દિવસના બિઝનેસ બાદ મોટો રેકોર્ડ બનાવ્યો છે. અહેવાલો જણાવે છે કે આ ફિલ્મે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 450 કરોડથી વધુની કમાણી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજા વીકએન્ડ પછી ‘પોન્નિયિન સેલ્વન-1’એ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 56 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 461 કરોડ ભારતીય રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. હવે PS-1 એ કમલ હસનની ‘વિક્રમ’ને પાછળ છોડીને, તે વિશ્વભરમાં તમિલ ઉદ્યોગની બીજી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. જોકે રજનીકાંતની રોબોટ 2.0 હજુ પણ નંબર વન પર અકબંધ છે.
તમિલનાડુની સૌથી મોટી ફિલ્મ
વર્ષ 2022માં જ ‘વિક્રમ’એ પોતાના ગૃહ રાજ્યમાં બિઝનેસ રેકોર્ડ બનાવ્યો હતો. 180.57 કરોડના કલેક્શન સાથે ‘વિક્રમ’ તમિલનાડુમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. આ એક ઓલ ટાઈમ રેકોર્ડ હતો. ગયા રવિવારના કલેક્શન પછી એકલા તમિલનાડુમાં ‘પોન્નિયિન સેલ્વન-1’નું નેટ કલેક્શન 196 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. ટૂંક સમયમાં જ તમિલનાડુમાં આ ફિલ્મનું નેટ કલેક્શન 200 કરોડને પાર કરી જશે અને 17 દિવસના બિઝનેસ બાદ હવે આ ફિલ્મે તમિલનાડુમાં 200 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, તેથી આવું કરનાર તે પ્રથમ ફિલ્મ છે.
USA માં પણ ટોચ પર છે PS-1
માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ‘પોન્નિયિન સેલ્વન-1’ની કમાણી જોરદાર ચાલી રહી છે. આનો પુરાવો યુએસએ બોક્સ ઓફિસ પર ફિલ્મનો નવો રેકોર્ડ છે. ‘પોન્નિયિન સેલ્વન-1’એ માત્ર યુએસએમાંથી 50 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે અને આ પહેલી તમિલ ફિલ્મ છે જેણે માત્ર એક જ પ્રદેશમાંથી વિદેશી બજારમાં 50 કરોડની કમાણી કરી છે.
બોલિવૂડની ટોચની ફિલ્મોના રેકોર્ડ પર ખતરો
આ વર્ષની ટોચની બોલિવૂડ ફિલ્મ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત ‘બ્રહ્માસ્ત્ર’એ ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં રૂ. 268થી વધુની કમાણી કરી છે. આ પછી વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ આવે છે, જેનું કલેક્શન 252 કરોડથી વધુ હતું. હવે ‘પોન્નિયિન સેલ્વન-1’ટૂંક સમયમાં આ બંને ફિલ્મોનો રેકોર્ડ પાર કરી શકે છે. મણિરત્નમની ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 17 દિવસમાં 248 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.
‘પોન્નિયિન સેલ્વન-1’જોઈને થિયેટરમાંથી પાછા ફરતા દર્શકો તેના વખાણ કરતાં થાકતા નથી. ઉપરથી દિવાળી જેવો મોટો તહેવાર આવે ત્યારે ફિલ્મનું ભારતની સંસ્કૃતિ સાથે જોડાણ તેનાં વધુ દર્શકોને ખેંચી લાવશે. તેથી આ મહિનાના અંત સુધીમાં ફિલ્મ કેટલી કમાણી કરે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.