રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી ભાજપ માટે ચિંતાજનક સમાચાર, અસંતુષ્ટ કાર્યકરોએ ટિફિન બેઠક કરી
રાજકોટઃ ગુજરાતમાં ઠંડીની સાથે સાથે રાજકીય સ્તરે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. વિધાનસભા ચૂંટણીને લઈને દરેક પક્ષ, દરેક નેતાઓ પોતાનું જોર દાખવી રહ્યાં છે. ત્યારે રાજકોટ-પૂર્વ વિધાનસભા વિસ્તારમાં અરવિંદ રૈયાણીના હરિફ જૂથે ટિફિન બેઠક યોજતા રાજકારણ ગરમાયું છે. ભાજપ અસંતુષ્ટોના એક જુથે ટિફિન બેઠક યોજી ચૂંટણીમાં દાવેદારીને તેમજ આ ચૂંટણી અરવિંદ રૈયાણીને ટિકિટ ન મળે તે માટે લોબિં ચાલુ કરાયું છે. આ બેઠકમાં પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દુધાત્રા,પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા,કોર્પોરેટર મુકેશ રાદડિયા,દલસુખ જાગાણી સહિતના આગેવાનો ખાસ કરીને લેઉઆ પટેલ સમાજમાંથી આવતા અગ્રણીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
અંગત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બેઠકમાં ખાસ કરીને વિધાનસભા ચૂંટણીની ટિકિટને લઈ ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ પૂર્વ બેઠક પર હાલ રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી ધારાસભ્ય છે, ત્યારે આ બેઠકમાં ટિકિટ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
આગામી વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રબળ ઉમેદવારો છે અને જેમની દાવેદારી લગભગ નશ્ચિત માનવામાં આવી રહી છે તેમાં અરવિંદ રૈયાણીનું નામ જ મોખરે ચાલી રહ્યુ છે. જો કે આ બધાની વચ્ચે ભાજપનું જ એક જુથ નારાજ જોવા મળી રહ્યુ છે. ગઇકાલે રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં જે ભાજપનું અસંતુષ્ટ જુથ છે તેમના દ્વારા ડિનર ડિપ્લોમસીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમાં તમામ અસંતોષ જુથ અને જેમાંથી કેટલાક લોકો દાવેદાર પણ છે તેમના દ્વારા ચૂંટણીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જ પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દુધાત્રાની ઓફિસે પોલીસ રેડ પડી હતી જે વાત હાઈકમાન્ડ સુધી પણ પહોંચી હતી.
ત્યારે ચૂંટણી પહેલા રાજકોટ પૂર્વ વિસ્તારનો આંતરિક જુથવાદ સામે આવ્યો છે જે ભાજપમાં માટે ચિંતાજનક છે. ગઈકાલે મળેલી બેઠકમાં અરવિંદ રૈયાણીને ટિકિટ ન મળે અને તેમના પૈકીના એકને ટિકિટ મળે તે માટેનું લોબિંગ શરુ કરવાને લઇને વ્યુહરચના બનાવવામાં આવી હતી. ત્યારે આ આંતરિક જુથવાદ ભાજપ કઈ રીતે શાંત કરે છે અને પ્રદેશ કાર્યાલય કયા પ્રકારનો નિર્ણય લે છે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે.