ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી શરાબ નીતિ મામલે CBIએ મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવ્યા, AAPએ ધરપકડની આશંકા વ્યક્ત કરી

Text To Speech

નવી દિલ્હીઃ દિલ્હીમાં કેજરીવાલ સરકારની શરાબ નીતિને લઈને વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ કેસમાં તપાસ કરી રહેલી CBIએ દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાને સમન જાહેર કરી 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. જો કે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે CBI સિસોદિયાને અરેસ્ટ કરવા માટે બોલાવ્યા છે. ત્યારે હોબાળો થશે તેવી અટકળને લઈને CBI હેડક્વાર્ટરની પાસે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. એટલું જ નહીં મનીષ સિસોદિયાના ઘર પાસે પણ આપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગાં થયા છે. ત્યારે કલમ 144 લગાડવામાં આવી છે.

CBI હેડક્વાર્ટર તરફ જતાં બંને રસ્તા પર પોલીસે બેરિકોડિંગ લગાવી દીધી છે. અહીં મોટી સંખ્યામાં પોલીસના જવાનો તહેનાત છે. અર્ધસૈનિક દળના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. આ પહેલા પણ આમ આદમી પાર્ટીના નેતા અન કાર્યકર્તાઓએ CBI મુખ્યાલયની બહાર પ્રદર્શનો કર્યા હતા. એવામાં દિલ્હી પોલીસને આશંકા છે કે આજે પણ હોબાળો થઈ શકે છે. તેથી પોલીસે આ વખતે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

કેજરીવાલે કહ્યું- ગુજરાતમાં પ્રચાર નહિ અટકે
દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી CBI અને ભાજપ પર આડકતરી રીતે નિશાન સાધ્યું છે. કેજરીવાલે ટ્વીમાં લખ્યું કે મનિષ સિસોદિયાના ઘરમાંથી તેમજ બેંક-લોકરમાંથી કંઈ જ મળ્યું નથી, તેમના પરનો કેસ ખોટો છે. તેમણે ચૂંટણી પ્રચાર માટે ગુજરાત જવાનું હતું પરંતુ તેમને રોકવા માટે તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. પરંતુ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર રોકાશે નહીં, ગુજરાતનો દરેક વ્યક્તિ આજે આપનો પ્રચાર કરે છે.

મનીષ સિસોદિયાના ઘરની આજુબાજુ કલમ 144 લાગુ
મનીષ સિસોદિયાના ઘરની આજુબાજુ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠાં થઈ શકે છે તેવી આશંકાને પગલે કલમ 144 લાગુ કરી દેવાઈ છે. એટલું જ નહીં સિસોદિયાના ઘરની આસપાસ દિલ્હી પોલીસ અને અર્ધસૈનિક દળના જવાનો પણ મોટી સંખ્યામાં તહેનાત કરાયા છે.

આપે આશંકા વ્યક્ત કરી કે સિસોદિયાની ધરપકડ થશે
આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યું કે CBI અને ભાજપે એક નોટિસ મોકલીને સિસોદિયાને પૂછપરછ માટે નહીં પરંતુ તેમની ધરપકડ માટે બોલાવ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં મનીષ સિસોદિયાની રેલીઓ, સભાઓ અને પ્રચાર કાર્યક્રમ યોજાવવાનો છે, તે પહેલાં આ નોટિસ ભાજપની હાર અને હતાશાના સંકેત છે. ગુજરાતમાં ભાજપને હારનો ડર સતાવી રહ્યો છે. રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. ભાજપની પાસે માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન કરવા અને જેલમાં નાખવાનું કામ વધ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે.

LGએ CBI તપાસની ભલામણ કરી હતી
ભાજપે કેજરીવાલ સરકારની શરાબ નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. ભાજપે આ નીતિમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાના આરોપ લગાડતા CBI તપાસની માગ કરી હતી. LG વીકે સક્સેનાએ મુખ્ય સચિવાના રિપોર્ટ પછી CBI તપાસના આદેશ આપ્યા હતા. આ રિપોર્ટમાં મનીષ સિસોદિયાની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. દિલ્હીના એક્સાઈઝ વિભાગે મનીષ સિસોદિયાને આધીને છે. વિવાદ વધ્યા બાદ કેજરીવાલ સરકારે આ શરાબ નીતિને પાછી ખેંચી લીધી હતી.

જે બાદ CBIએ મનીષ સિસોદિયાના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ કેસમાં CBIએ ડેપ્યુટી CM સિસોદિયાને પૂછપરછ માટે બોલાવ્યા છે. CBIએ આ કેસમાં ઈન્ડો સ્પિરિટ્ના માલિક સમીર મહેન્દ્રુ, ગુરુગ્રામના બિગ રિટેલ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર અમિત અરોડા અને ઈન્ડિયા અહેડના મૂથા ગૌતમ સહિત અનેક લોકોની પૂછપરછ કરી છે.

Back to top button