આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નામે હરિદ્વાર રેલ્વે સ્ટેશન સહિત ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં અનેક રેલવે સ્ટેશનો અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. હરિદ્વાર રેલ્વે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને આતંકવાદી સંગઠનના એરિયા કમાન્ડરને ટાંકીને ધમકીભર્યો પત્ર મળ્યો છે. પત્ર મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ પણ વાંચો : દિવાળીના એક દિવસ પહેલા ISROનું સૌથી ભારે રોકેટ થશે લોન્ચ
શું છે આખી હકીકત ?
મળતી માહિતી મુજબ, ગત 10 ઓક્ટોબરે હરિદ્વાર રેલ્વે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટના નામે સામાન્ય પોસ્ટ દ્વારા ઓફિસમાં એક પત્ર આવ્યો હતો. સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટે પત્ર ખોલ્યો તો તેમના હોશ ઉડી ગયા હતા. પત્રમાં હરિદ્વાર રેલવે સ્ટેશનની સાથે દેહરાદૂન, લક્સર, રૂરકી, કાઠગોદામ, નજીબાબાદ, શાહગંજ સહિતના અનેક સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પત્ર મોકલનાર વ્યક્તિએ પોતાને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એરિયા કમાન્ડર ગણાવ્યો છે. બંને બાજુ હિન્દીમાં લખેલા એક પાનાના પત્રમાં 25 ઓક્ટોબરે સ્ટેશનોને વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી છે. જ્યારે 27 ઓક્ટોબરે ઉત્તરાખંડના ચારધામ તેમજ અન્ય ધાર્મિક સ્થળો પર બોમ્બ વિસ્ફોટની ચેતવણી આપવામાં આવી છે. જીઆરપીના અધિક પોલીસ અધિક્ષક અરુણા ભારતીએ જણાવ્યું હતું કે ધમકીભર્યો પત્ર મળ્યા બાદ અજાણ્યા વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃતિ નિવારણ અધિનિયમ (UAPA એક્ટ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે ઉત્તરાખંડમાં પહેલીવાર આ કેસ નોંધવામાં આવ્યો છે. અમે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણ રીતે સજ્જડ કરવામાં આવી છે. સ્ટેશન પર આવનાર દરેક શંકાસ્પદ વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી 19મી એ ફરી આવશે રાજકોટ, જાણો આખો કાર્યક્રમ