બનાસકાંઠા : જૂના નેસડામાં દારૂબંધીનો અમલ, હવે 15 ગામોમાં દારૂબંધી માટે લખાયાં પત્ર
- ગામમાં વ્યસન મુક્તિ માટે 111 યુવાનોના આનંદ મંડળની રચના
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાનું ખોબા જેવડુ જૂના નેસડા ગામ દારૂબંધીની પહેલ કરીને એક મિશાલ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે. જ્યાં એક સમયે 40 થી વધુ દારૂના અડ્ડા ધમધમતા હતા. એ ગામમાં ચાતુર્માસ માટે પધારેલા જૈન મુનિ જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબે કરેલી અપીલને ગ્રામજનોએ સ્વીકાર કર્યો હતો. અને આજે જૂના નેસડા ગામમાં સંપૂર્ણ દારૂબંધી થઈ ગઈ છે.
હવે આ ગામના પરિવારોની ઉન્નતિના દ્વારા ખુલી રહ્યા છે. ત્યારે જૂના નેસડા ગ્રામ પંચાયત દ્વારા આ ગામની આજુબાજુની 15 જેટલી ગ્રામ પંચાયતના સરપંચોને પણ એક પત્ર લખીને તેઓ પણ તેમના ગામમાં દારૂબંધીનો અમલ કરી અને તંદુરસ્ત સમાજની રચનામાં સહયોગી બને તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.
બનાસકાંઠાના ઇતિહાસમાં એક નવો પ્રારંભ થયો છે. જૂના નેસડા ગામમાં સંપૂર્ણ દારૂબંધી અમલમાં આવ્યા બાદ જૂના નેસડાના ગ્રામજનોએ નવો ઇતિહાસ લખવાની શરૂઆત કરી છે. પૂજ્ય ગુરુ મહારાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી ગામમાં સંપૂર્ણ દારૂબંધી થયા બાદ આજુબાજુના ગામોમાં પણ સંપૂર્ણ દારૂ બંધ થાય એ માટેના અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. ગામમાં કાયમી વ્યસન મુક્તિ માટે 111 યુવાનોના આનંદ મંડળ ની રચના કરવામાં આવી છે.
જેમાં આજે જુના નેસડા ગ્રામ પંચાયત તેમજ આનંદ મંડળના યુવાનોએ સમસ્ત ગ્રામજનો તરફથી દારૂબંધી માટેની અપીલ કરતો પત્ર આજુબાજુની 15 ગ્રામ પંચાયતોને સુપ્રત કર્યો છે. જેની સાથે સાથે સંસદ સભ્ય, ધારાસભ્ય, કલેકટર અને એસ. પી. સહિતના અધિકારીઓ ઉપર લખેલા પત્રની નકલ પણ સુપ્રત કરેલ છે.
આ પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં કોર્ટે શિવલિંગના કાર્બન ડેટિંગની માગને ફગાવી
દરેક સરપંચ સહિત ગામના લોકોને જુના નેસડા ગ્રામજનો તરફથી એક મજબૂત પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કે, અમારા ગામમાં તો અમે દારૂબંધી કરી છે. આપના ગામમાં પણ આપ બંધ કરાવો, અને એમાં અમારો આપને દરેક પ્રકારનો સહયોગ મળશે. હવે અધિકારીઓને પણ પત્ર સોંપવામાં આવશે.
કઈ પંચાયતોને પત્ર અપાયાં
- મુડેઠા ગ્રામ પંચાયત
- વડલાપુરા ગ્રામ પંચાયત મુડેઠા
- ગોગાપુરા ગ્રામ પંચાયત મુડેઠા
- પાલડી ગ્રામ પંચાયત
- રામવાસ ગ્રામ પંચાયત
- સોની ગ્રામ પંચાયત
- નવા નેસડા ગ્રામ પંચાયત
- શેરગઢ ગ્રામ પંચાયત
- પેપળુ ગ્રામ પંચાયત
- બલોધર ગ્રામ પંચાયત
- ઘરનાલ મોટી ગ્રામ પંચાયત
- ઘરનાલ નાની ગ્રામ પંચાયત
- નવી ભીલડી ગ્રામ પંચાયત
- જૂની ભીલડી ગ્રામ પંચાયત
- સોયલા ગ્રામ પંચાયત