એજ્યુકેશનમધ્ય ગુજરાત

NIMCJ માં ‘સ્ટાર્ટઅપ સેન્સિટાઇઝેશન’ અંગે સેમિનાર : ACCWF ના અધ્યક્ષ હેતલ અમીન અને બિઝનેસમેન મોહિત પઢિયાર રહ્યાં હાજર

Text To Speech

આજકાલ સ્ટાર્ટઅપ એ ખૂબ પ્રચલિત શબ્દ બની ગયો છે. ઘણાં યુવાનો પણ સ્ટાર્ટઅપમાં રસ લઈ રહ્યાં છે અને ઘણાં યુવાનો હવે પોતાનું સ્ટાર્ટઅપ ઊભું કરી રહ્યાં છે. આ ઉપરાંત સરકાર પણ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે સહાય કરી રહી છે,અને તેને લગતી ઘણી યોજનાઓ પણ બહાર પાડી રહી છે, પરંતુ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળતું નથી. તેથી પોતાનું સ્ટાર્ટઅપ ઊભું કરવા ઈચ્છતાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે અમદાવાદની એક જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન કોલેજમાં સ્ટાર્ટઅપ સેન્સિટાઇઝેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : સ્ટાર્ટઅપ્સ માટે ફંડ ઊભું કરવું બનશે સરળ : સરકાર 10 કરોડ સુધીની લોનની આપશે ખાતરી , વાંચો સંપૂર્ણ વિગતો

અમદાવાદ સ્થિત National Institute of Mass Communication & Journalism  દ્વારા સ્ટાર્ટઅપ સેન્સિટાઇઝેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ACCWFના અધ્યક્ષ હેતલ અમીન તથા બિઝનેસમેન મોહિત પઢિયાર હાજર રહ્યા હતાં. હેતલ અમીન એ અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલફેર ફાઉન્ડેશનના અધ્યક્ષ છે. તેઓ કલ્યાણી સાહસિક મહિલા સંઘ કે, જેને ૭૨ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે, તેવા NGOનું પ્રમુખપદ પણ સાંભળી રહ્યા છે. વર્ષ ૨૦૧૬માં તેમને ‘Daughter of Gujarat‘ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ખ્યાતનામ બિઝનેસમેન મોહિત પઢિયાર પણ હાજર રહ્યાં હતા. હેતલ અમીન અને મોહિત પઢિયારે NIMCJ ના વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ અને બિઝનેસ સંબધિત માર્ગદર્શન આપ્યું હતું.

NIMCJ - Hum Dekhenge News

બધી માહિતી મેળવ્યા બાદ જ સ્ટાર્ટઅપ માટે નિર્ણય લેવો જોઈએ : હેતલ અમીન

હેતલ અમીને વિદ્યાર્થીઓને સમજાવતા કહ્યું હતું કે, “રોજિંદી જિંદગીમાં ચાલતી સમસ્યા પર ધ્યાન આપી અને તેના નિરાકરણ માટે જગત સામે કંઇક વિશેષ બાબત પ્રસ્તુત કરવી તે સ્ટાર્ટઅપ છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે,”દરેક સ્ટાર્ટઅપમાં પાયો એકદમ મજબૂત રાખો તથા બધી માહિતી મેળવ્યા બાદ જ નિર્ણયો લો.” તેમણે SSIP – Student Startup and Innovation Policy વિશે માહિતી આપતા કહ્યું હતું કે, “આ નીતિના ભાગ રૂપે, કેમ્પસમાં સંશોધકોને સમર્થન તેમજ પ્રોત્સાહન આપવામાં આવે છે, જેમાં તેમને પ્રૂફ ઓફ કોન્સેપ્ટ્સ (PoC), ઔદ્યોગિક ડિઝાઇન અધિકારો અને પેટન્ટ નોંધણી વગેરે બાબતે પણ માર્ગદર્શન પ્રદાન કરવામાં આવે છે.” આમ, તેમણે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી, તેમના પ્રશ્નોના ઉકેલ આપી, વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપને લગતાં અનેક સપનાઓને પંખ આપ્યા હતાં.

સ્ટાર્ટઅપની સફરમાં ઉતાર ચડાવ આવતા રહે છે : મોહિત પઢિયાર

ત્યારબાદ મોહિત પઢિયાર કે જેઓ એક ખ્યાતનામ બિઝનેસમેન છે, તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે,“આ સફરમાં ઉતાર ચડાવ આવતા રહે છે, પરંતુ આપણે હંમેશા સંપૂર્ણપણે જાગૃત રહીને કાર્ય કરવાનું છે.” બીજી બાબત તેમણે એ પણ સમજાવી હતી કે,”આજના યુગમાં દરેક ક્ષેત્રમાં ટેકનોલજીનું ખૂબ જ મહત્વ છે. તેથી આપણે તેનું જ્ઞાન વધારવું જોઈએ તથા તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી વ્યવસાયને આગળ વધારવાનું શીખવું જોઈએ.” NIMCJ દ્વારા કરવામાં આવેલ આ સેમિનારમાં વિદ્યાર્થીઓને ઘણું શીખવા અને જાણવા મળ્યું હતું. આ ઉપરાંત કંઇક વિશેષ કાર્ય કરવા માટે વિદ્યાર્થીઓ પણ પ્રોત્સાહિત થયા હતાં.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે NIMCJ તરફથી  કોલેજનાં ડાયરેક્ટર ડો. શિરીષ કાશિકર,આસિ. ડાયરેક્ટર ઈલા ગોહેલ, પ્રોફેસર ડૉ. શશીકાંત ભગત અને પ્રોફેસર કૌશલ ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button