બનાસકાંઠા : RTO કચેરીમાં બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ કૌભાંડ
- કૌભાંડ મામલે પોલીસ તપાસ બાદ પણ પરિણામ શૂન્ય
- સમગ્ર મામલો રફેદફે કરવામાં આરટીઓ કચેરીના ધમપછાડા
પાલનપુર : પાલનપુર આર.ટી.ઓ કચેરીમાં બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ અંગે પ્રાદેશિક વાહન વ્યવહાર કમિશનરની તપાસ બાદ પોલીસ ફરિયાદ દાખલ થઈ હોવા છતાં સમગ્ર મામલે આર.ટી.ઓ. દ્વારા પોલીસની સાંઠગાંઠથી ઢાંકપીછોડો કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે તટસ્થ તપાસ થાય તો પાલનપુર આર.ટી.ઓ કચેરીમાં બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ કૌભાંડનું હાડપીંજર બહાર નીકળવાની સાથે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને જેલની હવા ખાવાનો વારો આવે તેમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પાલનપુર આર.ટી.ઓ. કચેરીમાં સને 2015 માં વિદેશમાં રહેતા અરજદારના નામે બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ થયુ હોવાની જાણ થતાં પાલનપુરના મિલન પઢીયાર નામના જાગૃત યુવકે પ્રાદેશિક વાહન વ્યવહાર કમિશનરને આધાર પુરાવા સાથે લેખિત રજુઆત કરી હતી. જેના પગલે પ્રાદેશિક વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા પાલનપુર આર.ટી.ઓ. કચેરી ખાતે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં મિલન પઢીયારની ફરિયાદમાં તથ્ય જણાતા વાહન વ્યવહાર કમિશનરની સુચના મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી.
તટસ્થ તપાસ થાય તો બોગસ લાઇસન્સનું મોટું કૌભાંડ બહાર આવે
જોકે, પોલીસ ફરિયાદ દરમિયાન પણ જવાબદાર અધિકારી દ્વારા ફરિયાદીને પ્રલોભન આપતા તેની માંગણીઓ સંતોષવાની વાત કરાઇ હતી. જે અંગેના પ્રુફ પણ ફરિયાદી પાસે છે. ત્યારે ફરિયાદી મિલન પઢીયારે દાવો કર્યો હતો કે, જો આ પ્રકરણની પોલીસ દ્વારા તટસ્થ તપાસ થાય તો બોગસ લાઇસન્સનું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.
મામલો રફેદફે કરવાનો પ્રયાસ
સાત સાત વર્ષ થવા છતાં આ પ્રકરણમાં કોઈ ઠોસ કાર્યવાહી થઇ નથી. ઉલટાનું સમગ્ર પ્રકરણને રફેદફે કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની રાવ ઉઠી છે. ત્યારે વાહન વ્યવહાર કમિશનરે ફરિયાદીને રૂબરૂ સાંભળ્યા હતા. ફરિયાદીએ રજૂ કરેલા આધાર પુરાવા જોઈને ખુદ કમિશનર પણ ચોંકી ઉઠ્યા હતા. અંતે તેઓએ પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપી હતી. જેમાં તટસ્થ તપાસ કરી કસુરવારોને નશયત કરવાની સૂચના અપાઈ હતી. પરંતુ પોલીસ અને આર.ટી.ઓ ની સાઠગાંઠથી આ કૌભાંડમાં આજદિન સુધી કોઈ ઠોસ કાર્યવાહી થઈ ન હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતીઓને હવેથી પરાઠા ખાવા મોંઘા પડશે, ચૂકવવો પડશે 18 GST !!