પાકિસ્તાનની સરહદ પાર કરીને આવેલા ડ્રોનને BSFના જવાનોએ તોડી પાડ્યું, રમદાસ વિસ્તારમાં થયું ફાયરિંગ
પંજાબઃ ભારત-પાકિસ્તાન નજીક સરહદિય વિસ્તાર રમદાસમાં BSFના જવાનોએ ગુરુવારની રાત્રે પાકિસ્તાન તરફથી ભારતીય ક્ષેત્રમાં ઘૂસેલા ડ્રોનને તોડી પાડ્યા છે. BSFના જવાનોએ પહેલાં તેના પર નિશાન સાધતાં ઈલ્યુમિનેશન બોમ્બ છોડ્યા અને પછી 17 રાઉન્ડ ફાયર કર્યા હતા.
મળતી માહિતી મુજબ, રમદાસ સરહદ પર ગુરુવારે રાત્રે BSFના જવાન પેટ્રોલિંગ પર હતા. આ દરમિયાન જ જવાનોને પાકિસ્તાનની દેવડી ફોરવર્ડ પોસ્ટથી ભારતીય ક્ષેત્રમાં ડ્રોનનો અવાજ સંભળાયો. જવાનોએ પહેલાં તે વિસ્તારમાં રોશની બોમ્બ છોડ્યો અને તે પછી પેટ્રોલિંગ કરતા જવાનોએ 17 રાઉન્ડ ફાયર કર્યા. આ દરમિયાન જવાનોએ જોયું કે કોઈ વસ્તુ ડગમગતી પાછળની તરફ જઈ રહી છે. જવાનોએ તેનો પીછો કર્યો જે બાદ તે વસ્તુને ખેતર અને જંગલમાંથી જપ્ત કરવામાં આવી.
તપાસ દરમિયાન જાણવામાં આવ્યું કે ડ્રોનનો એક લેગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, જેના કારણે તે પાકિસ્તાન પરત ફરી શક્યું ન હતું. આ ઘટના અંગેની જાણકારી BSFના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી છે. જે બાદ BSFના સીનિયર અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. જવાનોએ ડ્રોન અને તેના તાર સહિતનો સામાન સમેટી લીધો છે.
જે બાદ BSFના જવાનોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. BSF અધિકારીઓએ ઘટનાસ્થળે એકથી વધુ નારકોટિક્સ અને એક્સપ્લોઝિવની તપાસ કરી શકે તેવા ડોગ્સ મંગાવ્યા. અધિકારીઓને શંકા છે કે પાકિસ્તાની તસ્કરોએ ડ્રોનની મદદથી હથિયાર કે પછી નશીલા પદાર્થ મોકલ્યા હોય. BSFનું સર્ચ ઓપરેશન યથાવત છે.