વડોદરાઃ નવા બજાર માર્કેટ ખાતેના શોરૂમમાં આગની ઘટના, લોકોમાં અફડા તફડી મચી
વડોદરા ખાતેના નવા બજાર માર્કેટમાં ગતરોજને સાંજના સમયે એક ચાર માળના શોરૂમમાં વિકરાળ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોર અને ચોથા માળેથી આગની જ્વાળાઓ ઉઠતાં હાહાકાર મચી ગયો હતો. જે ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેળને કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જે સમગ્ર ઘટના શોર્ટ સર્કિટને કારણે બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. તેમજ આગને કારણે શોરુમનો માલસામાન બળીને ખાક થઈ જતા 40 લાખ રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવાયો છે.
શોરૂમમાં આગ ફાટી નીકળી
વડોદરા શહેરમાં નવા બજાર માર્કેટમા 210 નંબરની ખંડેલવાલની દુકાની ઉપર ચાર માળનો મહિલાઓનો શોરૂમ છે. જેમાં તૈયાર કપડાઓનું વેચાણ થાય છે. ત્યાં ગતરોજ એકાએક આગ ફાટી નીકળી હતી. કાપડનો શોરૂમ હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.
નવા બજારનો વીજ પૂરવઠો બંધ કરવામાં આવ્યો
દુકાનના ચોથા માળેથી આગની જ્વાળાઓ બારીમાંથી બહાર આવી જતાં આસપાસની દુકાનના માલિકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો અને તેઓ દુકાનમાંથી બહાર દોડી આવ્યા હતા. અન્ય દુકાનોમાં આગ ન પ્રસરે તે માટે વીજ કંપનીને જાણ કરીને નવા બજારનો વીજ પૂરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.
શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન
વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર ઘટના શોર્ટ સર્કિટને કારણે બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ ઉપરાંત દુકાનમાં આગ લાગવાને કારણે 40 લાખ રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ, 4ના મોત અને 16 દાઝ્યા; ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરતી વખતે થયો વિસ્ફોટ