ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ફુલજોશમાં ચાલી રહી છે. જેમાં ગુજરાતની જનતા આ વખતે કયા પક્ષને મહોર મારશે તે જોવું રહ્યું છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી પણ ગુજરાતનો પ્રવાસ કરી ગયા છે. તેમાં PMએ દરરોજ સભા ગજવી હતી. તથા આજે અમિત શાહ પણ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યાં છે. તેમજ આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 41 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જ્યારે કોંગ્રેસે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માગતા લોકોના બાયોડેટા મગાવી લીધા છે અને તેમાંથી યોગ્ય ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તો ભાજપમાં હાઈકમાન્ડ દ્વારા જ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવશે. ચૂંટણીમાં દર વર્ષે ગંભીર ગુનાઓ ધરાવતા ઉમેદવારોને પણ રાજકીય પાર્ટીઓ ટિકિટ આપતી જોવા મળતી હોય છે. જેમાં વર્ષ 2017ની ચૂંટણી કેટલાક ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપી હતી.
1828માંથી 253 ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ
ADRના રિપોર્ટ મુજબ, ગત ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધુ ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપી હતી. જ્યારે આ પછીના ક્રમે ભાજપ છે. સૌથી સ્વચ્છ પાર્ટીની છબી ધરાવતી હોવાનો દાવો કરતી AAPએ પણ 4 ગુનાહિત ધરાવતા ઉમેદવારોને 2017ની ચૂંટણીમાં ટિકિટ આપી હતી. ગત ચૂંટણી લડેલા 1828 ઉમેદવારોમાંથી 253 ઉમેદવારો ગુનાઇત ઈતિહાસ ધરાવતા હતા, અને તેમાં 154થી વધુ ઉમેદવારો પર ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયેલા હતા. જેમાં 3 ઉમેદવારો પર હત્યાના ગંભીર ગુના દાખલ થયેલા હતા. જ્યારે 17 ઉમેદવારો પર હત્યાના પ્રયાસના ગુનાઓ અને 4 ઉમેદવારો પર દુષ્કર્મ સંબંધિત ગુનાઓ નોંધાયેલા હતા.
આ વખતે ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો માટે ચૂંટણીમાં નવો નિયમ
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં જો કોઈ રાજકીય પક્ષ ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપશે તો તેમણે જણાવવું પડશે કે શા માટે આ જ ઉમેદવારની પસંદગી કરવામાં આવી? તાજેતરમાં જ ગુજરાત આવેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, જો કોઈ ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોય તો તેની માહિતી મતદારોને મળે તે અમારી ફરજ છે. આથી અમે નક્કી કર્યું છે કે ગુનાહિત ઈતિહાસ ધરાવતા દરેક ઉમેદવારોના કેસની માહિતી સમાચાર પત્રોમાં પબ્લિશ થાય. ઉપરાંત એફિડેવિટ પણ કરવાનું રહેશે. આ માટે અમે KYC એપ પણ બનાવી છે. આ એપમાં તમે એફિડેવિટ, મિલકત અને ગુનાહિત ઈતિહાસ સહિતની તમામ વિગતો જોઈ શકશો. તેમણે વધુમાં ઉમેર્યું કે, જો કોઈ રાજકીય પાર્ટી ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપે છે તો પાર્ટીએ પણ ત્રણ વખત ઉમેદવારના ગુનાહિત ઈતિહાસ વિશે અને તેમને શા માટે પસંદ કરવામાં આવ્યા તેની જાહેરાત આપવી પડશે.
ગંભીર ગુનામાં સંડોવાયેલા 33 ઉમેદવારો ચૂંટણી જીતી ગયા
2018ની વિધાનસભા ચૂંટણીમાં તમામ પાર્ટીઓ દ્વારા ચૂંટણીના જંગમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા 253 જેટલા ઉમેદવારો ઉતારાયા હતા. તેમાંથી 47 ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા, જેમાંના 33 ઉમેદવારો પર ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા હતા. જોકે આગામી ચૂંટણીની વાત કરીએ તો AAPના એક ઉમેદવાર પર 20થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે અન્ય ઉમેદવારો પણ વિવાદોમાં ફસાયેલા છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ પાર્ટી આ વખતે પણ ફરી ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને ચૂંટણી જીતેલા ઉમેદવારોને રિપીટ કરશે કે પછી સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને તક આપશે તે ખાસ જોવાનું રહેશે.
કોંગ્રેસના 176માંથી 56 ઉમેદવારો પર કેસ
2017ની ચૂંટણીમાં ભાજપે ઉતારેલા 181 ઉમેદવારોમાંથી 46 (25 ટકા) ઉમેદવારો પર ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. જ્યારે કોંગ્રેસ પાર્ટીના 176માંથી 56 (32 ટકા) ઉમેદારો પર, બહુજન સમાજ પાર્ટીના 138માંથી 17 (12 ટકા) પર, આમ આદમી પાર્ટીના 28માંથી 4 (14 ટકા) ઉમેદવારો પર, એનસીપીના 57માંથી 9 (16 ટકા) ઉમેદવારો પર અને 791 અપક્ષ ઉમેદવારોમાંથી 65 (8 ટકા) ઉમેદવારો પર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોતાના એફિડેવિટમાં તેમણે જણાવ્યું હતું.