ટોપ ન્યૂઝનેશનલ

હિજાબ પર હાલ પ્રતિબંધ યથાવત, સુપ્રીમના બંને જજ એકમત ન રહેતા કેસ લાર્જર બેંચ સમક્ષ મોકલવામાં આવ્યો

Text To Speech

નવી દિલ્હીઃ કર્ણાટકના ચર્ચિત હિજાબ વિવાદ પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો. જો કે બેંચમાં સામેલ બંને જજ જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાના વિચાર અલગ અલગ જોવા મળ્યા. જ્યાં જસ્ટિસ હેમંત ગુપ્તાએ હિજાબ બેન વિરૂદ્ધ દાખલ થયેલી અરજીઓને ફગાવતા હિજાબ પર પ્રતિબંધને યોગ્ય ગણાવ્યો. તો જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ કર્ણાટક હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધને યોગ્ય રાખવાના આદેશને રદ કર્યા. તેમને કહ્યું હિજાબ પહેરવો તે પસંદગીની વાત છે.

મોટી બેંચ સમક્ષ કેસ મોકલવામાં આવ્યો
કર્ણાટકમાં શિક્ષણ સંસ્થાનોમાં હિજાબ પ્રતિબંધ વિરૂદ્ધ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. જો કે બેંચમાં સામેલ બંને જજના વિચાર અલગ અલગ જોવા મળ્યા. જેના કારણે હવે આ આખો કેસ લાર્જર બેંચ સમક્ષ મોકલવામાં આવ્યો છે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે હિજાબ કેસમાં કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી વિવિધ અરજીઓ પર 10 દિવસની મેરેથોન સુનાવણી બાદ 22 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં 21 વકીલો વચ્ચે દસ દિવસ સુધી દલીલો ચાલી હતી. બંને જજના અલગ અલગ નિર્ણય છે.

કર્ણાટક સરકારે સુપ્રીમમાં આ તર્ક આપ્યા હતા
હિજાબ પહેરવા કે ન પહેરવાથી કોઈ મહિલાની ઈસ્લામ પ્રત્યેની લાગણી ઓછી નથી થતી. સુનાવણી દરમિયાન ફ્રાંસનું ઉદાહરણ આપતા કહેવામાં આવ્યું હતું કે ત્યાં હિજાબ પર પ્રતિબંધ છે, પરંતુ તે બેનથી ત્યાંની મહિલાઓને ઈસ્લામ પ્રત્યે માન ઓછું નથી થઈ જતું. આ રીતે જ ઈરાનમાં મહિલાઓ હાલ હિજાબ વિરૂદ્ધ પ્રદર્શનો કરી રહી છે, તેઓ હિજાબ નથી પહેરવા માગતી. આ રીતે જ સ્કૂલમાં યુનિફોર્મ સંસ્કૃતિ ચાલે છે, આ સમાનતા કે એકરુપતા માટે બનાવવામાં આવી છે.

વિવિધ અરજીઓ દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી
અરજદારો વતી વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ કર્ણાટક સરકારના સંદર્ભમાં PFI સાથેના તેમના જોડાણનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી વિવિધ અરજીઓ પૈકીની એક અરજીમાં ધ્યાન દોરવામાં આવ્યું છે કે સરકાર અને વહીવટીતંત્ર વિદ્યાર્થીનીઓને તેમના ધર્મનું પાલન કરવાની મંજૂરી આપવામાં ભેદભાવ કરે છે. જેના કારણે કાયદો અને વ્યવસ્થાના ભંગાણની સ્થિતિ સર્જાય છે. અન્ય એક અરજીમાં કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટે તેના આદેશમાં વિદ્યાર્થીઓને સમાનતાના આધારે નિર્ધારિત સમાન ડ્રેસ પહેરવા જોઈએ.

જાન્યુઆરીમાં સામે આવ્યો હતો હિજાબ વિવાદ
નોંધનીય છે કે કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિત અને જસ્ટિસ જેએમ ખાજીની બેન્ચે કહ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રેસની શરત વાજબી પ્રતિબંધ છે. જેના પર વિદ્યાર્થીઓ વાંધો ઉઠાવી શક્યા ન હતા અને હિજાબ પરના પ્રતિબંધને પડકારતી વિવિધ અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. કર્ણાટકમાં હિજાબનો વિવાદ આ વર્ષે જાન્યુઆરીમાં ઉડુપીની સરકારી પીયુ કોલેજમાં કથિત રીતે હિજાબ પહેરીને છ છોકરીઓને પ્રવેશતા અટકાવી દેવાયા બાદ સામે આવ્યો હતો. એન્ટ્રી આપવામાં ન આવતા છોકરીઓ કોલેજની બહાર ધરણા પર બેસી ગઈ હતી.

HIJAB VIVAD
ઉડુપીની સરકારી પીયુ કોલેજમાં કથિત રીતે હિજાબ પહેરીને છ છોકરીઓને પ્રવેશતા અટકાવી દેવાયા બાદ સામે આવ્યો હતો. એન્ટ્રી આપવામાં ન આવતા છોકરીઓ કોલેજની બહાર ધરણા પર બેસી ગઈ હતી.

હિજાબના વિરોધમાં વિદ્યાર્થીઓ કેસરી સ્કાર્ફ પહેરે છે
ગર્લ સ્ટુડન્ટ્સે હિજાબનો વિરોધ કર્યા બાદ ઉડુપીની ઘણી કોલેજોના વિદ્યાર્થીઓ કેસરી સ્કાર્ફ પહેરીને ક્લાસમાં હાજરી આપવા લાગ્યા હતા. આ ટ્રેન્ડ રાજ્યના અન્ય ભાગોમાં પણ જોવા મળ્યો અને કર્ણાટકમાં ઘણી જગ્યાએ વિરોધ અને આંદોલનો થયા. પરિણામે, કર્ણાટક સરકારે જણાવ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓએ ડ્રેસનું પાલન કરવું જોઈએ અને નિષ્ણાત સમિતિના નિર્ણય સુધી હિજાબ અને કેસરી સ્કાર્ફ બંને પર પ્રતિબંધ મૂક્યો છે. જેના પગલે 5 ફેબ્રુઆરીએ પ્રિ-યુનિવર્સિટી એજ્યુકેશન બોર્ડે એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ફક્ત શાળા વહીવટીતંત્ર દ્વારા માન્ય ડ્રેસ પહેરી શકશે અને કોલેજોમાં અન્ય કોઈ ધાર્મિક ડ્રેસને મંજૂરી આપવામાં આવશે નહીં.

Back to top button