વિશ્વના એકમાત્ર શાકાહારી મગર બાબિયાની ભવ્ય અંતિમ વિદાઈ, છેલ્લા દર્શન માટે કેન્દ્રીય મંત્રીથી લઈને મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
કેરળઃ દુનિયાના એકમાત્ર શાકાહારી મગરનું કેરળમાં નિધન થઈ ગયું. છેલ્લાં 70 વર્ષથી આ મગર કાસરગોડ જિલ્લાના શ્રીઅનંતપદ્મનાભ સ્વામી મંદિરના તળાવમાં રહેતો હતો. આ અનંતપુરા તળાવમાં રહીને મંદિરની રખેવાળી કરતો હતો. પૂજારીઓએ હિન્દુ રીતિ-રિવાજથી મગરમચ્છની અંતિમ યાત્રા કાઢી અને મંદિર પરિસરની પાસે દફનાવવામાં આવ્યો.
બાબિયા તરીકે ઓળખાતા આ શાકાહારી મગરને મંદિરનો પ્રસાદ ધરાવવામાં આવતા તે ભાત-ગોળ ખાતો હતો. બાબિયા શનિવારથી ગુમ થયો હતો. રવિવાર રાત્રે અંદાજિત 11:30 વાગ્યે એનો મૃતદેહ તળાવમાં તરતો જોવા મળ્યો. ત્યારબાદ મંદિર તંત્ર દ્વારા પશુપાલન વિભાગ અને પોલીસને જાણ કરી હતી.
અંતિમ દર્શન કરવા માટે કેન્દ્રીય રાજ્યમંત્રી પહોંચ્યાં
બાબિયાને જોવા માટે કેન્દ્રીય રાજ્યમંત્રી શોભા કરંદલાજે પણ પહોંચ્યાં હતા. તેમણે શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે મગર 70 વર્ષથી મંદિરમાં રહેતો હતો. ભગવાન એને મોક્ષ આપે. તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ કે. સુરેન્દ્રએ કહ્યું હતું કે લાખો ભક્તોએ મગરનાં દર્શન કર્યા. બાબિયાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.
વાંચોઃ શાકાહારી મગર ‘બાબિયા’નું મોત, 70 વર્ષથી પ્રસાદ ખાઈ કરતો મંદિરની રક્ષા
બાબિયા મગરના અંતિમ દર્શન માટે ઉમટ્યો માનવ મહેરામણ
મગરમચ્છનાં અંતિમ દર્શન માટે નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. મગરના દર્શને આવતા લોકોની સંખ્યા વધવા લાગતા બાબિયાના મૃતદેહને તળાવથી હટાવીને ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યો હતો.
શાકાહારી મગર તળાવમાં રહેલી માછલીઓ અને અન્ય જીવને ખાતો ન હતો
મંદિરના પૂજારીઓનો દાવો છે કે બાબિયા મગર શાકાહારી હતો અને તળાવમાં માછલીઓ અથવા અન્ય જીવોને ખાતો નહોતો. મગર મંદિરમાં ચઢાવાતો ભોગ-પ્રસાદ જ ખાતો હતો. એને ભાત અને ગોળ ખૂબ જ પસંદ હતા. કેટલાક લોકો મંદિરમાં ભગવાનનાં દર્શન સિવાય બાબિયાને જોવા આવતા હતા અને પોતાના હાથોથી એને ભાત જમાડતા હતા. લોકોનો દાવો છે કે મગરે આજ સુધીમાં ક્યારેય કોઇના પર હુમલો નથી કર્યો કે નુકસાન નથી પહોંચાડ્યું.
બાબિયા એક ગુફામાં રહેતો હતો. દિવસમાં બે વખત મંદિરનાં દર્શન માટે ગુફાથી નીકળતો હતો અને થોડીવાર ફર્યા બાદ અંદર ચાલ્યો જતો હતો.
તળાવમાં મગરને લઈને આવી છે માન્યતા
માન્યતા છે કે, વર્ષો પહેલા એક મહાત્મા આ મંદિરમાં તપ કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બાળકનું રૂપ ધારણ કરીને મહાત્માને હેરાન કરવા લાગ્યા. આ વાતથી નારાજ થઇને મહાત્માએ કૃષ્ણને તળાવમાં ધક્કો દઈ દીધો. જ્યારે તેમણે તેની ભૂલનો અહેસાસ થયો તો ભગવાનને શોધવા લાગ્યા, પરંતુ પાણીમાં કોઈ ન મળ્યું. આ ઘટના બાદ નજીકમાં એક ગુફા બતાવી હતી. લોકોનું માનવું છે કે આ ગુફાથી ભગવાન ગાયબ થઇ ગયા હતા. થોડા દિવસો બાદ અહીંથી મગર આવવા-જવા લાગ્યો. મંદિરની આસપાસ રહેતા લોકોનું કહેવું છે કે બાબિયા તળાવમાં રહેનારો ત્રીજો મગર હતો. જો કે તળાવમાં એક જ મગર જોવા મળતો હતો, ત્યારે લોકોના જણાવ્યા મુજબ વૃદ્ધ થઇને મગર મૃત્યુ બાદ તળાવમાં એક નવો મગર અચાનક જ આવી જતો હતો.