ન્યૂયોર્કઃ યુક્રેનના ચાર પ્રદેશો જેવા કે લુહાન્સ્ક, ડોનેટ્સ્ક, ઝાપોરિઝ્ઝ્યા અને ખેરસોન પર રશિયાના કબજા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં (UNGA)એક નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં આ ઠરાવની તરફેણમાં કુલ 143 સભ્યોએ મતદાન કર્યું હતું, જ્યારે પાંચ સભ્યોએ આ ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. તો ભારત સહિત અન્ય 35 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. રશિયાએ સુરક્ષા પરિષદમાં સમાન ઠરાવને વીટો કર્યાના દિવસો બાદ આ ઠરાવ આવ્યો છે, જેમાં ભારતે ભાગ લીધો ન હતો.
પ્રસ્તાવ વિરૂદ્ધ એકપણ દેશે વીટોનો ઉપયોગ ન કર્યો
રશિયા વિરુદ્ધ બુધવારે પસાર કરવામાં આવેલા UNના ઠરાવમાં કોઈપણ સભ્ય દેશે વીટોનો ઉપયોગ કર્યો ન હતો. UNGAમાં યુક્રેન અને રશિયાની અથડામણના બે દિવસ બાદ સોમવારે મતદાન થયું હતું. તે જ સમયે, સોમવારે, ભારતે યુક્રેનના પ્રદેશો પર રશિયાના કબજાની નિંદા કરવા માટે ગુપ્ત મતદાનની જગ્યાએ જાહેર મતદાનની તરફેણમાં મતદાન કર્યું.
ભારત સહિત 107 દેશોએ રશિયા વિરૂદ્ધ મતદાન કર્યું હતું
રશિયાએ યુક્રેન મુદ્દે ગુપ્ત મતદાનનો પ્રસ્તાવ મૂક્યા બાદ અલ્બેનિયાએ ખુલ્લા મતદાનની તરફેણ કરી હતી. ભારતે પણ અલ્બેનિયા દ્વારા રજૂ કરાયેલા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. અલ્બેનિયન દરખાસ્તને તરફેણમાં 107 મત મળ્યા, 13 દેશોએ મતનો વિરોધ કર્યો અને 39 ગેરહાજર રહ્યા. ચીન, ઈરાન અને રશિયા સહિત 24 દેશોએ મતદાન કર્યું ન હતું. નોંધનીય છે કે ભૂતકાળમાં, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના ચાર જીતેલા પ્રદેશોને તેમના દેશમાં ભેળવી દેવાની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. ક્રેમલિનમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં પુતિને કહ્યું કે લુહાન્સ્ક, ડોનેત્સ્ક, ખેરસોન અને ઝપોરિઝિયા કાયમ માટે આપણા દેશનો ભાગ બની રહ્યા છે.